ગુજરાતથી શરુ મીઠા મધ જેવો વેપાર, વધારાની આવક કરાવતું ‘હની મિશન’

નવી દિલ્હી- ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન (KVIC)એ છેલ્લા બે વર્ષથી પણ ઓછા સમયમાં દેશમાં ખેડૂતો અને બેરોજગાર યુવકોને મધમાખી ઉછેરવા માટે એક લાખથી વધુ બોક્સ આપ્યા હતાં. કમિશને આ બોક્સ ‘હની મિશન’ હેઠળ આપ્યા હતાં.  KVIC એ તેમના એક નિવેદનમાં આ જાણકારી આપી હતી. KVICના અધ્યક્ષ વિનય કુમાર સક્સેનાએ કહ્યું કે, કમિશને મધમાખી ઉછેર માટે અત્યાર સુધીમાં 1,01,000 બોક્સનું વિતરણ કર્યું છે. આ દેશમાં પ્રથમ વખત થયું છે. વધુમાં કહ્યું કે, હની મિશન હેઠળ 10 હજારથી વધુ રોજગારની નવી તકો ઉભી થઈ છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું કે, હની મિશન ઓગસ્ટ 2017માં ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાથી બનાસ હની પરિયોજનાની શરુઆત કરવામાં આવી હતી. વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘મીઠી ક્રાતિ’ ના આહ્વાવાન સાથે શરુ કરવામાં આવ્યું હતું.

કેવીઆઈસી મધમાખી ઉછેરકર્તાઓને મધમાખી વસાહતની તપાસ કરવા, વનસ્પતિ સાધનો સાથે પરિચિત કરાવવા, મધમાખીના દુશ્મનો અને બિમારીઓની ઓળખ અને પ્રબંધન, મધ ઉછેરવા તથા વસંત,ઉનાળો, ચોમાસુ, શરદ ઋતુ અને ઠંડીની સિઝનમાં મધમાખી વસાહતના પ્રબંધન અંગે વ્યવહારિક જાણકારી પૂરી પાડે છે.

ગુણવત્તા યુક્ત મધ અને મીણના ઉત્પાદન ઉપરાંત મધમાખી ઉછેર બેરોજગાર યુવાઓ અને ઈચ્છુક યુવા ઉદ્યમીઓ માટે રોજગારની નવી તકો ઉભી કરશે. સક્સેનાએ વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (પીએમઈજીપી)ની નોડલ એજન્સી હોવાની સાથે કેવીઆઈસી પ્રોસેસીંગ, પેકેજિંગ અને મધ માટે લેબલિંગ એકમોની સ્થાપના માટે લોન આપશે. હની મિશન હેઠળ અત્યાર સુધીમાં બોક્સના માધ્યમથી 246 ટન મધનો કાઢવામાં આવ્યું છે. જેની કિંમત અંદાજે 4 કરોડ રૂપિયાની આસપાસ છે.

શું છે હની મિશન કે મીઠી ક્રાંતિ?

ખાદીગ્રામોદ્યોગ વિભાગ દ્વારા હની મિશન યોજનાની શરુઆત કરવામાં આવી છે. આ હેઠળ ખેડૂતો અને નાણાં કમાવવા ઈચ્છતા લોકો મધમાખીનો ઉછેર કરીને વધારીની આવક મેળવી શકે છે. હવે એવી ટેકનીક આવી ગઈ છે, જેના માધ્યમથી મધપુડામાંથી મધ કાઢતા સમયે મધમાખીઓ ડંખ નથી મારતી. આ યોજનાથી ન માત્ર ખેડૂતો પરંતુ બેરોજગાર યુવકો પણ આને રોજગારી તરીકે અપનાવી રહ્યાં છે.

ખાદીગ્રામોદ્યોગ વિભાગે હની મિશન પરિયોજના હેઠળ મધમાખી ઉછેર ઉદ્યોગનું એકમ સ્થાપિત કરવા માટે અનુદાન (સબસિડી) આપવાની શરુઆત કરી છે. 10 બોક્સનો એકમ શરુ કરવા પર 80 ટકા લોન વિભાગ તરફથી આપવામાં આવશે અને બાકીના 20 ટકા નાણાં ખેડૂતોએ રોકવા પડશે. એક અંદાજ મુજબ મધમાખી ઉછેર માટે 10 બોક્સના એકમમાં 35 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. જેમાં સાત હજાર રૂપિયા ખેડૂતોએ રોકાવા પડે અને 28 હજાર રૂપિયા વિભાગ તરફથી આપવામાં આવે છે.