વાવતાં જ લણી લીધું બાવળીયાએ, રાજ્યપાલે લેવડાવ્યાં પ્રધાનપદના શપથ

0
1350

અમદાવાદ– કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુંવરજી બાવળિયા આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાયાં તેની ગણતરીના કલાકોમાં કુંવરજી બાવળીયાને પ્રધાનપદના શપથ પણ લઇ લીધાં છે. તેમને કેબિનની ફાળવણી પણ થઇ ગઇ છે. બાવળીયા સ્વર્ણિમ સંકુલ-2માં પૂર્વ પ્રધાન શંકર ચૌધરીની કેબિનમાં બેસશે.રાજ્યપાલ ઓ પી કોહલીએ કુંવરજીને હોદ્દા તથા ગુપ્તતાના શપથ લેવડાવ્યાં હતાં.આ સમયે મુખ્યપ્રધાન વિજય રુપાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. શપથ બાદ સીએમ રુપાણી અને પ્રધાન બાવળીયા વચ્ચે બેઠક યોજાઇ હતી જેમાં બાવળીયાએ શિક્ષણ અને રેવન્યૂ ખાતું માગ્યું હોવાનું બિનઅધિકારીક સૂત્રો દ્વારા જણાવાયું હતું. જ્યારે રુપાણી તરફથી તેમને પાણી પુરવઠા ખાતું સોંપવાની વાત સામે આવી રહી છે.આ મુદ્દે સત્તાવાર નિવેદનની રાહ જોવાઇ રહી છે.

આ પહેલાં બપોરે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને ડેપ્યુટી સીએમ નિતીન પટેલે કુંવરજીભાઈને કેસરિયો ખેસ પહેરાવ્યો હતો.

કમલમમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે કુંવરજીભાઈ સીનીયર ધારાસભ્ય છે, અને તેઓ આજે ભાજપમાં જોડાયા છે, તેમનું સ્વાગત છે. તેમણે સમાજ અને પ્રજાની સેવા કરી છે. હવે વાત રહી કોંગ્રેસની… કોંગ્રસમાં આટલા સીનીયર રાજકીય વ્યક્તિની ઉપેક્ષા થઈ રહી છે, અને અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે હવે કોંગ્રેસ તૂટી રહી છે, એમ કહીને કોંગ્રેસના નેતૃત્વ પર પ્રહાર કર્યા હતા.

પક્ષ સામે નારાજગીની વાત જાહેરમાં સ્વીકારનાર કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયા ધારાસભ્ય પદેશી રાજીનામું આપી દીધું છે.લાંબા સમયથી નારાજ એવા બાવળીયાએ છેવટે કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો છે. મળી રહેલી માહિતી પ્રમાણે બાવળિયાએ પોતાના સમર્થકો સાથે ગાંધીનગરમાં બેઠક કરી હતી. ગુજરાતના સીએમ રૂપાણી ઇઝરાયેલના પ્રવાસેથી પરત આવતાં જ તેમની સાથે બેઠક કરી લીધી હતી. અને છેવટે તેમણે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.

ગત સપ્તાહમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ જ્યારે અમદાવાદ આવી પહોંચ્યા હતા ત્યારે કુંવરજી બાવળિયા તેમને મળવા માટે અમદાવાદ આવ્યાં ન હતાં. બાવળિયા આ પહેલાં નવી દિલ્હી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી ચુક્યા હતાં.

કુંવરજી હવે ભાજપ સાથે જોડાવાના છે. મળતી ખબર પ્રમાણે તેઓ આજે ભાજપમાં જોડાઇને કેસરીયો ખેસ ધારણ કરી શકે છે. કુંવરજી બાવળીયાના આ પગલાંથી કોંગ્રેસ અને ભાજપ બંને પર દૂરોગામી અસર લોકસભા ચૂંટણીના સમીકરણોને લઇને સર્જાશે.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ સંદર્ભે પ્રતિક્રિયા આપી હતી કે કોંગ્રેસે તેમને તમામ પ્રકારનું માન આપ્યું છે અને તેમની દરેક રજૂઆત સાંભળવામાં આવી હતી. તેમનું વ્યક્તિગત કોઇ કારણ હોઇ શકે છે જેના કારણે તેમણે રાજીનામું આપ્યું હોઇ શકે છે.