રાંધેલો કે તૈયાર ખોરાક આ રીતે નહીં વેચી શકાય, ૨ લાખ સુધીનો થશે દંડ

ગાંધીનગર- રાજ્યમાં ખાદ્ય ચીજવસ્તુઓનો વેપાર કરતાં તમામ ફૂડ બિઝનેશ ઓપરેટરો હવેથી દુકાન, લારીગલ્લાં, રેસ્ટોરન્ટ કે હોટલ વગેરે જગ્યાએ કોઇપણ પ્રકારનો તૈયાર રાંધેલો ખોરાક ખુલ્લો રાખીને વેચી શકશે નહીં. ખોરાકને સુવ્યવસ્થિત રીતે ઢાંકીને જ આરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહ તથા વેચાણ કરવાનો રહેશે.

ખુલ્લો રાંધેલો ખોરાક વેચવો એ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળના ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ (લાયસન્સીંગ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ ફુડ બિઝનેશ) રેગ્યુલેશન ૨૦૧૧ના શિડ્યુલ-૪ ના ભાગ-૧ના નિયમ નંબર ૧૭ નો ભંગ છે જે કલમ-૫૮ મુજબ રૂ.૨ લાખ સુધીના દંડને પાત્ર ગુનો છે.

આથી કોઇપણ પ્રકારે ખુલ્લો ખોરાક વેચનાર ફુડ બિઝનેશ ઓપરેટર સામે એક્ટની જોગવાઇના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ કમિશનર ઓફ ફુડ સેફ્ટી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.