ગુજરાતને ઘરઆંગણે પ્રથમ આંચકો, દબંગે છેલ્લી ઘડીએ મેચ 29-26થી જીતી

અમદાવાદઃ શહેરના અરેના ટ્રાન્સ સ્ટેડિયા પર રમાઈ રહેલી વિવો પ્રો. કબડ્ડી લિગની મેચમાં ફોરચ્યુન જયન્ટસના ઘરઆંગણે વિજયી અભિયાનને આગળ વધારવાના પ્રયાસને બ્રેક વાગી હતી. દબંગ દિલ્હી કેસીએ પ્રત્યેક પળે રોમાંચક રહેલી મેચ અંતિમ મિનિટમાં 29-26થી મેચ જીતી લીધી હતી. જોકે આ પરાજય છતાં ગુજરાતે ઝોન એમાં આઠ વિજય અને આ બીજા પરાજય સાથે યુ મુંબ્રા બાદ બીજું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે દબંગનો અગિયારમી મેચમાં પાંચમો વિજય છે અને તે 32 પોઈન્ટ સાથે ઝોન એમાં ચોથા ક્રમે છે. 21 નવેમ્બરે ગુજરાતનો મુકાબલો તેના ઘરઆંગણે જ યુ મુંબા સામે થશે.

આજની મેચમાં શરૂઆતમાં જ યજમાન ટીમે તેના સ્ટાર ખેલાડી સચિનની પ્રથમ રેઈડ જ નિફળ રહેતા પોઈન્ટ ગુમાવ્યો પરંતુ ટીમે તરત જ દબંગ દિલ્હી કેસીની પણ પ્રથમ રેઈડ નિષ્ફળ બનાવીને ખાતું સરભર કરી લીધું હતું. પરંતુ એ પછી મેચમાં બન્ને ટીમોએ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. અને એક તબક્કે સ્કોર 5-5થી બરોબર થઈ ગયો હતો. એ પછી ગુજરાતના ખેલાડીઓની કેટલિક ભૂલોનો લાભ ઊઠાવીને દિલ્હીએ ધીરે ધીરે સરસાઈ મેળવવાની શરૂ કરી હતી પરંતુ ઘરઆંગણાના પ્રેક્ષકોના સમર્થન અને સુધારા સાથેની રમતથી ગુજરાતે મેચ પરની પકડ જાળવી રાખી હતી.

મેચમાં જોરદાર રસાકસી રહી હતી અને સ્કોર વારંવાર બરોબર થઈ જતો હતો. અને 8-8, 9-9 તથા 10-10 સુધી બન્ને ટીમો એક બીજા પર વધુ સરસાઈ મેળવી શકી નહતી. અંતે ગુજરાતે સળંગ બે પોઈન્ટ મેળવીને સ્કોરને 12-10 પર પહોચાડ્યો હતો. જે બાદ દિલ્હીએ પોઈન્ટ માટે ખૂબજ પ્રયાસ કર્યા પરંતુ હાફ ટાઈમ પહેલાં બન્ને ટીમોએ વધુ એક-એક પોઈન્ટ મેળવવા સાથે સ્કોર 13-11 રહ્યો હતો.

પ્રથમ હાફ સુધીમાં યજમાન ટીમ અને દિલ્હીની ટીમની રમતમાં બહુ વધુ અંતર જોવા મળ્યું નહતું. યજમાન ટીમે રેઈડથી પાંચ જ્યારે પ્રવાસી ટીમના 4, ટેકલમાં બન્ને ટીમના બરોબર 7-7 જ્યારે ગુજરાતને એક માત્ર એકસ્ટ્રા પોઈન્ટ મળી શક્યો હતો. બીજા હાફમાં પહેલો પોઈન્ટ ભલે દિલ્હીએ લીધો હોય પરંતુ એ પછી યજમાન ટીમે તેની સમજદારી પૂર્વકની રમત સાથે સરસાઈ જાળવી રાખી હતી.

જોકે બીજા હાફમાં પણ મુકાબલો બરાબરીનો જોવા મળ્યો અને ક્યારેક ગુજરાત તો ક્યારેક દિલ્હીની ટીમે જોર બતાવ્યું પરંતુ યજમાન ટીમ 15-14થી આગળ હતી ત્યારે દિલ્હીએ રેઈડથી બે પોઈન્ટ મેળવીને ફરી 16-15થી સરસાઈ મેળવી હતી. જે ગુજરાતે તરત જ સરભર કરવા ઉપરાંત ફરી સરસાઈ મેળવી હતી. આજની રમતની ખાસ વાત એ રહી હતી કે ગુજરાતના સ્ટાર ખેલાડી સચિનની કેટલિક રેઈડ નિષ્ફળ બનાવવામાં દિલ્હીના ખેલાડીઓ સફળ રહ્યા હતા.

આ ઉપરાંત દિલ્હીના ખેલાડીઓએ યજમાન ટીમની એક પછી એક વ્યૂહ રચનાને ઊંધી પાડવા સાથે ગુજરાતને ઓલઆઉટ કરીને 23-20થી સરસાઈ મેળવી લીધી હતી. જોકે યજમાન ટીમે સચિન પર મૂકેલો વિશ્વાસ અંતે રંગ લાવ્યો હતો અને ગુજરાત 25-26થી પાછળ હતું ત્યારે સચિને અત્યંત મહત્વપૂર્ણ પોઈનટ મેળવીને મેચ છેલ્લી ઘડીઓમાં સરભર કરી હતી. અંતે સચિનની જ રેઈડ નિષ્ફળ રહેતા યજમાન ટીમની ઘરઆંગણે વિજયકૂચ અટકી હતી અને તેણે મેચ 26-29થી ગુમાવી હતી. મેચ બાદ ગુજરાતના કોચ મનપ્રિત સિંહે કહ્યું હતું કે ટીમે સારી રમત બતાવી પરંતુ સામાન્ય તાલમેલના અભાવ અને છેલ્લી ઘડીએ કરેલી ભૂલને લીધે ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો.