જૂનાગઢઃ ભજન, ભોજન, ભક્તિના પર્વને ભરપૂર માણતાં ભાવિકો

0
2189

જૂનાગઢ- જૂનાગઢમાં જાગૃત તીર્થ ગિરનારની તળેટીમાં તા.9 ફેબ્રુઆરીને મહા વદ નોમના દિવસે શરૂ થયેલા મહાશિવરાત્રિ મેળાના છેલ્લા દિવસે આજે લાખો લોકો સવારથી ભવનાથ મંદિરના દર્શન માટે ઉમટી પડ્યા છે. મેળાનો આજે મંગળવારે છેલ્લો દિવસ છે. વાહનો પર તો પ્રતિબંધ છે પણ પગપાળા પણ લોકો માંડ માંડ જઇ શકે એટલી મોટી મેદની દર વર્ષની જેમ આ વર્ષે ઉમટી છે.મહાશિવરાત્રિના મેળાની મોજ લોકો માણી રહ્યા છે અને ભવનાથ તથા ગિરનાર ક્ષેત્રમાં આવેલા અન્ય તીર્થ, મંદિરના દર્શન કરીને અન્નક્ષેત્રમાં ભોજનની મજા લઇ રહ્યા છે. આજે સાંજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી મેળાની મુલાકાત લઈને નાગાસાધુઓની રવાડીના દર્શન કરવાના હોવાથી ગઈકાલ રાતથી બંદોબસ્ત વધુ ચુસ્ત બનાવાયો છે.સાંજે અખાડામાં નાગાસાધુઓ પરંપરાગત રીતે દત્ત ભગવાનની આરતી કરશે. ત્યાર બાદ એમનું સરઘસ નીકળશે. લાખો લોકો તળેટીમાં ઉમટશે. છેવટ સુધી પહોંચવું અશક્ય હોય એ લોકો પણ ભવનાથ મહાદેવની પૂજા, આરતી અને રવાડી જોઈ શકે એ માટે તંત્રએ એલઇડી સ્ક્રીનની વ્યવસ્થા કરી છે. રાતે બાર વાગ્યે સાધુઓ પૌરાણિક મૃગીકુંડમાં સ્નાન કરશે એ પછી મેળાનું સમાપન થશે.

ગિરનાર દરવાજાથી તળેટી સુધી માનવમેદનીમહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ગિરનાર તળેટીમાં માનવ મેદનીની સંખ્યા પરાકાષ્ટાએ પહોંચી છે. ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી માનવ નદી વહી રહી હોય એમ લોકો જઇ રહ્યા છે. ગૌશાળાના દાનની અપીલ કરતા માઈક, ભજન, સંતવાણીના સુર સંભળાઈ રહ્યા છે. 5 દિવસથી ગિરનાર ક્ષેત્ર ભજન, ભોજનથી ગાજી અને ગુંજી રહ્યું છે. આજે અંતિમ દિવસે લોકો ધર્મપર્વનો લ્હાવો લઇ રહ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કલેકટર તંત્ર, મહાનગરપાલિકાએ ગોઠવેલી વ્યવસ્થાથી દર્શનાર્થીઓને તકલીફ ઓછી પડી રહી છે. રવાડીના રૂટ પર બન્ને તરફ વૃધ્ધો, બાળકો સૌ બેસી ગયા છે. ભજન કરતાલના તાલે ચાલી રહ્યા છે. અન્નક્ષેત્રોમાં ભોજન, ફરાળની ધૂમ મચી છે. લોકો આંખમાં રવાડી અને સાધુઓના દર્શનની પ્રતીક્ષા આંજીને બેઠા છે.

ભૈરવ જપઃ ગિરનારની એક રહસ્યમય અલૌકિક ટૂંક

ગિરનારક્ષેત્ર આખું અનેક રહસ્યો, આધ્યાત્મિક કથાઓથી ભરપૂર છે. કોઈપણ ટૂંક કે રાણકદેવીના પથ્થર જેવું કોઈ સ્થાન સદીઓનો ઇતિહાસ જાળવીને અડીખમ ઉભા છે. મહાવીરની ટૂંક કે જૈન દેરાસર અને અંબાજી કે કાળકાની ટૂક તો આસ્થાના કેન્દ્રો છે. પણ એક સ્થાન, એક દુર્ગમ સ્થળ છે ભૈરવ જપ. ગિરનારની સિડીથી ત્યાં સીધું જવાતું નથી. ભૈરવ જપ માટે કથા-કવિન્દન્તિ પણ અનેક છે. પણ આ પર્યટકોનું નહિ, સાધકો માટેની જગ્યા છે. ભજનમર્મી ડો. નિરંજન રાજ્યગુરુ, મનોજ રાવલ સહિતના લોકોએ તો ત્યાંની યાત્રા પણ કરી છે. ત્યાં જવું જરા પણ સહેલું નથી. કેટલાક વિરલાઓ જ જઈ શકે છે.જુનાગઢમા ગીરનારની તળેટીમાં મહાશિવરાત્રિ પર્વના મેળામા આજે છેલ્લા દિવસે અંદાજે 10 લાખથી વધુની માનવ મેદની ઉમટી છે. ગિરનાર દરવાજાથી બપોરે એક વાગ્યાથી વાહનો માટે પ્રવેશ બંધ કરી દેવાયો હતો. લાખો લોકો પગમા જોમ, હૈયામા હામ ભરીને શ્રદ્ધાપૂર્વક આગળ વધી રહ્યા છે. ધખતા તાપમા બાળકૉને તેડીને, વડિલોના હાથ ઝાલીને આગળ વધી રહ્યા છે. ભવનાથ પોલીસ ચોકીની આગળથી હવે રસ્તો બંધ છે. બંને બાજુ અત્યારથી ભાવીકો, વ્રૂદ્ધો બેસી ગયા છે. નાગા સાધુઓની રવાડી તો સાંજે નિકળશે પણ એના દર્શન કરવા અત્યારથી હજારો લોકો બેસી ગયા છે. એક તરફ જંગી માનવ મહેરામણ અને સામે 84 સિદ્ધ, 9નાથ, 64 જોગણી, 52 વીરનું અસ્તિત્વ જ્યા ભાવિક અને સાધકને સદાય સાદ દે છે એવો ગિરનાર. સાંજે નાગા સાધુની રવાડી નિકળે ત્યારે તો વાતવરણમા દીવ્યતા છલકાશે.

અહેવાલ- જ્વલંત છાયા