જૂનાગઢઃ ભવનાથ તળેટીમાં કુંભનો માહોલ, નાગા સાધુઓની રવાડી સાથે મેળો પૂર્ણ

જૂનાગઢ– જૂનાગઢનું ગીરનાર ક્ષેત્ર અને ભવનાથ તળેટી આમ તો હમેશા ચેતનાની અનુભૂતિ કરાવતી જગ્યા છે. પણ મહાશિવરાત્રિના દિવસે તો આ પાવનભૂમિનું વાતાવરણ અલૌકિક બની જાય છે. આજે પણ એ જ અનુભૂતિ અહી સૌરાષ્ટ્ર અને અન્ય અનેક વિસ્તારથી આવેલા લોકોએ કરી હતી. પાંચ દિવસથી ચાલી રહેલા શિવરાત્રિના મેળાના અંતિમ દિવસે આજે લાખો લોકોએ મહાદેવના દર્શનનો તો લહાવો લીધો સાથે વિવિધ અખાડાના સાધુઓના દર્શન પણ કર્યા.સાંજ હજી તો ઢળી ત્યાં જ રવાડીના રસ્તાને ચોખ્ખો કરી નંખાયો. દુર દુર કોઈ મંદિર, દેરીમાં આરતીની ઝાલર વાગી અને સુર્યાસ્ત થયો, ત્યાં તો ચન્દ્રમૌલેશ્વરના પુનીત પર્વના અંતિમ તબક્કાનો આરંભ થયો. અલખ નિરંજન… અવાજ ઉઠ્યો અને હાથમાં ચીપિયા, ભાલા, તલવાર, લાકડી લઈને સાધુઓ નીકળ્યા… ઢોલ, શરણાઈ, શંખ અને બેન્ડના અવાજથી વાતાવરણ દિવ્ય બન્યું. આકાશ કેસરી રંગે રંગાયું. ચારે તરફ રોશનીનો ઝગમગાટ અને હકડેઠઠ ગીર્દી.ભભૂત ચોળેલા સાધુઓ, લાંબી જટા, લાલ લાલ આંખો, ચહેરા પર અલગ અસબાબ… શિવનું જોગી સ્વરૂપ જાણે ભવનાથ તળેટીમાં સાક્ષાત ભમતું હોય એમ લાગે. બન્ને તરફ લોકો, ભાવિકો, કોઈ અગાસી, કોઈ ઓટલો ખાલી નહિ. રવાડીના દર્શનમાં મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી સામેલ થયા છે. રાતે બાર વાગ્યે નાગા સાધુના સ્નાન સાથે મેળો સમ્પન્ન થયો હતો.

જૂનાગઢથી અહેવાલ- જ્વલંત છાયા