ગિરનાર પર રોપ વે કામગીરીનો વધારાનો લાભ આ રીતે મળી રહ્યો છે!

જૂનાગઢ-  ગિરનાર પર્વત પર હાલ રોપ-વેની કામગીરી ચાલી રહી છે. ઉષા બ્રેકૉ કંપની આ રોપવે પ્રોજેકટનું કામ કરી રહી છે. ગિરનાર પર્વત પર પાણી માટે વરસાદનું પાણી એક માત્ર સ્તોત્ર છે. અહીં વરસાદી પાણીનો મોટા ટાંકામાં સંગ્રહ કરી આખું વર્ષ આ વરસાદી પાણી વાપરવામાં આવે છે.

મહત્વનું છે કે, ગત વર્ષે ઓછા વરસાદને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પાણીની અછત ઉભી થઈ છે. અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો પીવાના પાણીના પણ ફાંફા પડી રહ્યાં છે. ભરઉનાળે ગિરનાર પર્વત પર સંગ્રહ કરેલું પાણી ખૂટી જતાં હાલ પાણીની અછત ઉભી છે.અંબાજી મંદિરે જતાં યાત્રીઓને પીવાનું પાણી પણ વેચાતું લેવું પડી રહ્યું છે.

હાલ ગિરનાર પર્વત પર પાણીની ઉભી થયેલી અછતને પહોંચી વળવા માટે રોપવેની મદદ લેવામાં આવી રહી છે. રોપવેની ટ્રોલીમાં 1200 લિટર પાણીની બે ટાંકી દ્વારા અંબાજી મંદિરે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. મંદિરના ટાંકામાં પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. રોપવેની આ ટ્રોલી સંપૂર્ણપણે રિમોટથી ઓપરેટેડ છે.