રાજકોટ અને જામનગરને દૈનિક 10 કરોડ લિટર પીવાનું પાણી મળશે, PM કરશે શિલાન્યાસ

ગાંધીનગર– દરિયાના ખારા પાણીમાંથી દરરોજ ૧૦ કરોડ લીટર મીઠું પીવાનું પાણી બનાવવાની ક્ષમતા ધરાવતો ગુજરાતનો સૌ પ્રથમ ડી-સેલીનેશન પ્લાન્ટ જામનગર જિલ્લાના જોડીયામાં કાર્યાન્વિત થશે. મુખ્યપ્રધાન વિજય રુપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ અને એસ્સેલ ઇન્ફ્રાપ્રોજેકટસ લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં આ પ્રોજેકટ માટે સમજૂતી કરાર થયા હતા. જામનગર જિલ્લાના જોડીયા ખાતે દૈનિક ૧૦ કરોડ લીટર દરિયાના ખારા પાણીને ડી-સેલીનેશન દ્વારા મીઠું પીવાનું પાણી બનાવવાના પ્રોજેકટ માટે આજે રાજ્ય સરકારે એમ.ઓ.યુ. કર્યા પછી આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આ પ્રોજેકટનો શિલાન્યાસ કરાશે.

દરિયાનું ખારૂ પાણી પીવાલાયક કેવી રીતે બનશે તેની વિગતો જાણીએ તો જામનગર જિલ્લાના જોડીયા ખાતે ૧૦૦ એમ.એલ.ડી. એટલે કે દૈનિક ૧૦ કરોડ લીટર ક્ષમતાનો સી.વોટર ડી-સેલીનેશન પ્લાન્ટ બનશે. જેમાં દરિયાથી પ્લાન્ટ સુધીની કનેકટીંગ પાઇપલાઇન, પંપીંગ મશીનરી, ર૦ એમ.એલ. (ર કરોડ લીટર) ક્ષમતાનો આર.સી.સી. સંપ બનાવવામાં આવશે.ગુજરાતના દરિયાકિનારે પ્રાપ્ત પાણીની ખારાશ (ટી.ડી.એસ.) ૩૫,૦૦૦ પી.પી.એમ.થી લઇને ૬૦,૦૦૦ પી.પી.એમ. સુધીની છે. જેને મીઠું બનાવવા રીવર્સ ઓસ્મોસીસ પદ્ધતિની ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરિયાના ખારા પાણીને ઇન્ટેકમાંથી પાઇપલાઇન દ્વારા પ્લાન્ટ સુધી લવાશે. પાણીમાં તરતી અશુદ્ધિઓ દૂર કરવા ફિલ્ટરમાંથી પસાર કરાશે. પાણીની પી.એચ.વેલ્યુ જાળવવા માટે રાસાયણિક પ્રક્રિયા પણ કરવામાં આવશે. પાણીની ડહોળાશ અને ભારે અશુદ્ધિઓ દૂર કરવા સેટલમેન્ટ ટેન્કમાં રાખી સેન્ડ ફિલ્ટરમાંથી પસાર કરીને રીવર્સ ઓસ્મોસીસ મેબ્રેન (થીમ ફીલ્મ એસીટેટ મેમ્બ્રેન)માંથી ૭૦ kg/cm2 દબાણે પસાર કરાશે. જેનાથી પાણીમાં ઓગળેલી તમામ ખારાશ દૂર થશે. આ રીતે ડી મીનરલાઇઝ થયેલા પાણીમાં મીનર લાઇઝેશન કરવા હેતું કેલ્સીયમ અને મેગ્નેશીયમ જેવા વિવિધ પોષક તત્વો ઉમેરવામાં આવશે. જેથી પીવાલાયક ૫૦૦થી ઓછા ટી.ડી.એસ.વાળું પાણી બનશે. જેને શુદ્ધ પાણીના ટાંકામાં ભેગું કરવામાં આવશે.આ શુદ્ધ થયેલ રોજનું ૧૦ કરોડ લીટર પાણી મેળવીને જોડિયાથી પાઇપલાઇન દ્વારા હીરાપર ખાતે લાવવામાં આવશે ત્યાંથી પ્રવર્તમાન પાણી પુરવઠા ગ્રીડના નેટવર્કથી રાજકોટ, જામનગર શહેર તેમજ બંને જિલ્લાના ગામો તેમજ મોરબી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોને પાઇપલાઇન દ્વારા અપાશે. રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડમાં દૈનિક ૧૦ કરોડ લીટર પાણીનો વધારો થતાં રાજકોટ, જામનગર જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે પીવાના પાણી આરક્ષિત કરીને જળ સલામતીમાં વધારો કરી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના પાયલોટ પ્રોજેકટ તરીકે સ્થપાનાર આ પ્રોજેકટ પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે રૂા. ૭૦૦ કરોડના ખર્ચે સ્થપાશે. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડે એસ્સલ ઇન્ફ્રા પ્રોજેકટ લિમિટેડ, મુંબઇ તથા એબીન્સા ઇન્ફ્રાસ્ટ્રકચર મેડીયો એમ્બીયન્ટે સાથે સંયુકત કરાર આજે કર્યા હતા. પ્રોજેકટના સમગ્ર બાંધકામ અને આનુષાંગિક કામો માટેની નાણાંકીય જવાબદારી એજન્સીની હોઇ રાજ્ય સરકારને કોઇ વધારાનું નાણાંકીય ભારણ આવશે નહીં. આગામી ૩૦ મહિનાના સમયગાળામાં જોડિયા ખાતે ૧૦૦ એમ.એલ.ડી. પાણી આપતાં પ્લાન્ટનું બાંધકામ પૂર્ણ થશે અને વર્ષ ર૦ર૧-રરથી આ પ્લાન્ટ કાર્યાન્વિત થઇને રોજનું ૧૦ કરોડ લીટર પાણી આપતો થશે. આ પ્રોજેકટમાં કન્સેશન પીરીયડ ર૫ વર્ષનો રાખવામાં આવ્યો હોઇ આગામી ર૫ વર્ષ સુધી ડી-સેલીનેશન પ્લાન્ટથી પીવાનું પાણી મેળવાશે.