વાપીના ડોક્ટરને મળ્યો જ્વેલ ઓફ નેશન એવૉર્ડ, 25 દેશમાં આપી છે ટ્રેનિંગ

વલસાડ– 2000 જેટલી કોર્પોરેટ કંપનીને મેનેજમેન્ટના પાઠ ભણાવનાર અજય દેસાઈને વધુ એક એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. વલસાડના દરિયા કાંઠે આવેલા ઉમરસાડી ગામમાં જન્મેલા અજયભાઈ દેસાઈ દેશની જ નહીં, પરંતુ વિદેશની અનેક મલ્ટિનેશનલ કંપનીઓમાં  “A” for અમુલથી લઇને “Z” for ઝંડુ સુધીની બે હજાર જેટલી કંપનીઓમાં કોર્પોરેટ ટ્રેનિંગ આપી રહ્યા છે. જેમાં રિલાયન્સ અને બાબા રામદેવની પતંજલિ કંપનીનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ત્રણ લાખથી પણ વધુ લોકોને કોર્પોરેટ કક્ષાની ટ્રેનિંગ આપી ચૂકેલા અજયભાઈ જે તાજેતરમાં જ સુરત ખાતેથી જેવેલ ઓફ નેશન એવોર્ડ 2017 થી સન્માનિત કરવામાં આવ્યા છે.

અજયભાઈ આવી અનેક સિદ્ધિઓને કારણે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાંથી પણ એવોર્ડ મેળવી ચુક્યા છે. પોતાની સિદ્ધિ માટે ડોકટર અજય દેસાઈએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે કોર્પોરેટ ક્ષેત્રે તેઓ 18 વર્ષથી મલ્ટીનેશનલ કંપનીઓમાં ટ્રેનિંગ આપી રહ્યા છે, જેમાં ISO, HRD અને Technical trainingનો  સમાવેશ થાય છે. ભારત સહિત વિશ્વના 25 જેટલા દેશોમાં આવેલી અનેક કંપનીઓમાં તેઓ સેવા આપી રહ્યા છે. અજય દેસાઈને તાજેતરમાં સુરતમાં 24 ડિસેમ્બરએ હ્યુમન રાઈટ કાઉન્સિલના પ્રેસિડન્ટ મિસ્ટર લામા અને પ્રિન્સ ઓફ ઉદેયપુરના હસ્તે JEWEL OF NATION AWARD 2017 એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

આ સિવાય ડો.અજય દેસાઈને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તેમજ એશિયા બુક ઓફ રેકોર્ડ તરફથી પણ ખાસ એવોર્ડ આપવામાં આવ્યા છે. ડોકટર અજય દેસાઈની કારકિર્દીની વાત કરીએ તો વલસાડ જિલ્લાના ઉમરસાડી ગામમાં જન્મેલા અને વલસાડ તેમજ મુંબઇમાં શિક્ષણ મેળવી બજાજ ઓટો કંપનીમાં મેનેજર તરીકે જોડાયા હતા, ત્યારબાદ તેઓ કેડિલા ગ્રુપમાં પણ મેનેજર તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે. જોકે આ દરમિયાન એમને વિચાર આવ્યો કે મારું પોતાનું જ કંઈક અલગ વર્ચસ્વ ઊભું કરુ અને તે માટે તેમણે  ક્વૉલિટી કેટેલિસ્ટ નામની કોર્પોરેટ મેનેજમેન્ટ ટ્રેનિગ નામની કંપની શરૂ કરી. શરૂઆતમાં  મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ આજે દેશની અનેક નામાંકિત કંપનીઓમાં મેનેજમેન્ટના પાઠ ભણાવી રહ્યા છે. જેમાં મુકેશ અંબાણીની રિલાયન્સ, ગોદરેજ, રેમન્ડ, ટાટા, અમુલ, પિડીલાઈટ, બીસ્લેરી, ડાબર, પારલે, બાલાજી જેવી કંપનીઓ તેમજ દેશના સંરક્ષણ માટે કામ કરતી એવિએશન એકેડમી, દેશની સાબરમતી જેલ જેવી જેલોમાં ગુનેગારો ને કેવી રીતે પગભર કરવા અને આ માથાભારે ગુનેગારોને જેલ પ્રસાશને કેવી રીતે કંટ્રોલમાં રાખવા તેની ટ્રેનિંગ પણ આપતા આવ્યા છે.

 અનાવિલ સમાજના શિક્ષિત પરિવારમાં શિક્ષક માતા-પિતાના સંતાન એવા ડો.અજય દેસાઈ માત્ર કોર્પોરેટ ટ્રેનિંગ જ નહીં, વ્યસન મુક્તિનું પણ અભિયાન ચલાવે છે. તેમના કેહવા મુજબ અત્યાર સુધીમાં વિવિધ કંપનીઓમાં કામ કરતા 50 હજારથી વધારે લોકોને બીડી સિગારેટ તમાકુ, દારૂનું વ્યસન છોડાવી વ્યસનમુક્ત બનાવ્યા છે. એ સાથે પર્યાવરણ પ્રત્યે પણ તેમને ખાસ લગાવ છે દેશની મલ્ટીનેશનલ કંપનીઓમાં ટ્રેનિંગ આપવાની સાથે અત્યાર સુધીમાં 1 લાખથી પણ વધુ વૃક્ષોનું વાવેતર કરાવ્યું છે. ભારત સરકાર તરફથી પ્રિન્સિપાલ કન્સલ્ટન્ટ તરીકે ની ખાસ પદવી એનાયત કરવાંમાં આવી છે, જે ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત અપાય છે. જે અત્યાર સુધીમાં દેશમાં 7 લોકોને જ આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેમજ ભારત સરકારના અન્ય ક્વૉલિટી સર્કલ ઓફ ઇન્ડિયા મેમ્બરશિપ આપવામાં આવી છે.