જયંતી ભાનુશાળી હત્યા કેસ: છબીલ પટેલે SIT સમક્ષ શરણાગતિ સ્વીકારી

0
1659

અમદાવાદ- જયંતી ભાનુશાળી હત્યા કેસમાં SITને મોટી સફળતા હાથ લાગી છે. ભાજપના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસના આરોપી છબીલ પટેલની SITએ અટકાયત કરી છે. પુત્ર સિદ્ધાર્થ પટેલની ધરપકડના ગણતરીના દિવસોની અંદર જ છબીલ પટેલે SIT સમક્ષ શરણાગતિ સ્વીકારી છે.

આજે સવારે છબીલ પટેલ દુબઈથી ફ્લાઈટમાં આવ્યો હતો. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતાં જ ત્યાં હાજર પોલીસે તેની અટકાયત કરી હતી. ભાજપના દિગ્ગજ નેતા જયંતી ભાનુશાળીની સયાજી નગરી એક્સપ્રેસના એસી કોચમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ પર ભાજપના કચ્છના દિગ્ગજ નેતા જયંતી ભાનુશાળીની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ છે.

છબીલ પટેલ મસ્કતથી દોહાન અને ત્યાંથી અમેરિકા ગયો હતો. ગુરુવારે વહેલી સવારે અમેરિકાથી અમદાવાદ પહોંચતા જ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ તેની અટકાયત કરી લીધી હતી. જયંતી ભાનુશાળીની હત્યા થયાં બાદ તેમના પરિવારજનોએ છબીલ પટેલે જ આ હત્યા કરાવી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ સંદર્ભે પોલીસે છબીલ પટેલ સહિત પાંચ લોકો સામે ગુનો નોંધ્યો હતો. જયંતી ભાનુશાળીની હત્યા થઈ ત્યારથી છબીલ પટેલ વિદેશમાં હતો.

ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યા મામલે પોલીસે પાંચ લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી. આ પાંચ લોકોમાં છબીલ પટેલ, તેમનો પુત્ર સિદ્ધાર્થ પટેલ, અમદાવાદના નરોડા ખાતે રહેતી મનીષા ગોસ્વામી, જયંતી ઠક્કર અને ઉમેશ પરમાર નામના વ્યક્તિનો સમાવેશ થાય છે.