IPS અધિકારીએ પુત્રીને ઈન્ટર્નલમાં ઓછા માર્ક્સ આવતાં CBSEમાં ફરિયાદ કરી

અમદાવાદ– CBSE બોર્ડનું ગઈકાલ સોમવારે પરિણામ જાહેર થયું હતું, જેમાં IPS અને JCP (એડમીન) ડૉ. વિપુલ અગ્રવાલે સ્કૂલો દ્વારા આપવામાં આવતા ઇન્ટરનલ માર્ક્સ અંગે CBSEમાં ફરિયાદ કરી છે. વિપુલ અગ્રવાલે ઈ મેઈલથી ફરિયાદ કરી સ્કૂલ પર આક્ષેપ કર્યા છે કે સ્કૂલો ઇન્ટરનલ માર્ક્સ આપતી વખતે ભેદભાવ રાખે છે.

છ મે, 2019ના રોજ પરિણામ જાહેર થયું હતું, જેમાં આઈપીએસ વિપુલ અગ્રવાલની દીકરીએ ધોરણ 10ની પરીક્ષામાં 86.60 ટકા માર્ક્સ મેળવ્યા છે, આ પરિણામમાં ઈન્ટરનલ માર્ક્સ ઓછા મુકાયા હોવાથી તેમણે તેમની દીકરીની રચના સ્કૂલ સામે રોષ ઠાલવ્યો છે.

IPS વિપુલ અગ્રવાલે  સ્કૂલો દ્વારા આપવામાં આવતા ઇન્ટરનલ માર્ક્સ અંગે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે સ્કૂલ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે અને કેટલાકને ૧૦૦ ટકા માર્ક્સ તો કેટલાકને ઓછા માર્ક્સ આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે તેમને સારા માર્ક્સ સ્કૂલ તરફથી મળતા નથી. એટલે કે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે સ્કૂલોમાં થતી ગ્રેડિંગ સીસ્ટમ અંગે તપાસ કરવામાં આવે અને ભેદભાવ જણાય તો સ્કૂલની માન્યતા રદ કરવામાં આવે.

ઈ-મેઈલ દ્વારા કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ભેદભાવ રાખતી સ્કૂલો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, શિક્ષણ ક્ષેત્રે યોગ્ય નિર્ણય લેવાય. જેથી બાળકો વર્ષ દરમિયાન સારી મહેનત કરે છે તેમને સારા માર્ક્સ મળવા જોઈએ. રચના સ્કૂલ તરફથી ઓછા માર્ક્સ આપવામાં આવતા બોર્ડમાં સારા માર્ક્સ આવતાં વિદ્યાર્થીઓના સ્કોર નીચે ગયા છે.

આઈપીએસ વિપુલ અગ્રવાલે સીબીએસઈના ચેરમેન અનિતા કરવલને પત્ર લખ્યો છે અને તેની સાથે પોતાની દીકરીની માર્કશીટ પણ જોડી છે.તેમણે જણાવ્યું કે મારી પુત્રી સાત્વિકા અગ્રવાલ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ રચના સ્કૂલમાં ભણે છે. તાજેતરમાં ધોરણ 10ની પરીક્ષા આપી હતી, જેમાં 500માંથી 448 માર્ક્સ મેળવ્યા છે. પણ આંતરિક મૂલ્યાંકનમાં તેને 84 ટકા માર્ક્સ પ્રાપ્ત થયા છે, અને લેખિત પરીક્ષામાં તેણીએ 91 ટકા માર્ક્સ મેળવ્યાં છે. આમ તેનું કુલ પરિણામ 86.60 ટકા જેટલું થવા જાય છે.