IPHEXનો પ્રારંભ: દેશમાં દવા ઉત્પાદનમાં 45 ટકા હિસ્સો ગુજરાતનો હશે…

ગાંધીનગર– મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે ઇન્ટરનેશનલ ફાર્માસ્યૂટિકલ એન્ડ હેલ્થકેર એક્ઝિબિશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ એક્ઝિબિશનમાં ૧ર૦ દેશો, ૩૭૦ એક્ઝિબિટર્સ અને ૭૦૦થી વધુ દેશ-વિદેશના વ્યવસાયકારો ભાગ લેશે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના સહયોગથી ફાર્માસ્યૂટિકલ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા ૧૦ થી ૧ર જૂન દરમિયાન આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે.

આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દવા ઉત્પાદકોને આવનારા બે દાયકાના ભાવિને ધ્યાને રાખી લોકોને વાજબી ભાવે દવા અને આરોગ્ય રક્ષા પ્રદાન કરવા આહવાન કર્યુ છે. ફાર્માસ્યુટીકલ – દવા ઊદ્યોગ ક્ષેત્રને માત્ર વ્યવસાય તરીકે ન જોતાં જનસેવા માટે ઇશ્વરે આપેલી તક તરીકે લેવાનો સૌને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, સામાન્ય માનવીને ગંભીર કે અન્ય બિમારીઓમાં સસ્તા દરે સરળતાથી દવાઓ મળી રહે તે આપણો સંકલ્પ હોવો જોઇએ.

રાજ્યનો દવા ઉત્પાદન- હિસ્સો દેશના  ઉત્પાદનના ૩૦ ટકા છે તે વધારીને ૪પ ટકાએ પહોચાડવાનું સરકારનું આયોજન છે. ગુજરાતમાં કેન્દ્ર સરકારના સહયોગથી મેડીકલ ડીવાઇસીસ પાર્ક શરૂ કરવાની દિશામાં પણ સરકાર પ્રતિબધ્ધ છે.

ગુજરાતમાં NIPER, PERD સેન્ટર જેવી સંસ્થાઓ ફાર્મા કંપનીઓએ કુશળ મેનપાવર પ્રદાન કરી રહી છે. ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટની સફળતાને પગલે ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે ૧૦ હજાર કરોડના MOU કરવામાં આવ્યા છે અને તેના પરિણામે વ્યાપક રોજગાર અવસર મળશે. તેમ ઉમેર્યુ હતું.

આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ પી. કે. પરમારે તેમના સંબોધનમાં જણાવ્યું કે, બે દશકાથી દેશમાં થતી દવાઓના કુલ ઉત્પાદનનું ત્રીજા ભાગથી વધુનું ઉત્પાદન ગુજરાત કરે છે. રાજ્યમાં ૩પ૦૦થી વધુ દવાઓ ઉત્પાદન એકમો છે અને ૬૦૦ ઉપરાંત તો WHO માન્યતા પ્રાપ્ત છે.

ગુજરાતે દેશમાં પ્રથમ ૧૯૦૭માં એલેમ્બીક ફાર્મા સ્થાપીને દવા ઊદ્યોગના ભારતમાં શ્રીગણેશ કર્યા હતા. રાજ્યનો દવાઓની નિકાસનો ગ્રોથ ગયા વર્ષે ડબલ ડિઝીટ ૧૧ ટકાને પાર કરી ગયો છે તેમજ ફાર્મા સેકટર અંદાજે ૧ લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે.