મા કાર્ડ યોજનાના ખાનગી હોસ્પિટલોએ ધજાગરાં ઉડાડી દીધાં, સરકારે કહ્યું…

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા મા કાર્ડ યોજના શરુ કરવામાં આવી હતી. અને આ કાર્ડ દ્વારા અનેક લોકો ફાયદો પણ પહોંચાડવાની વાત હતી. પરંતુ મા કાર્ડ યોજનાના પ્રતિષ્ઠિત ખાનગી હોસ્પિટલોએ ધજાગરા ઉડાવ્યાં હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યાં છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આ મામલે પ્રશ્ન કર્યો હતો. આ પ્રશ્નના જવાબમાં ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે લેખિત જવાબ આપ્યો હતો.

લેખિત જવાબમાં ગુજરાતના નાયબ મુખ્યપ્રધાને જે જવાબ આપ્યો તે સ્પષ્ટ કરે છે કે સરકારી યોજનાનો અમલ ન કરતી હોસ્પિટલ સામે સરકાર પગલાં લેવામાં નિષ્ફળ રહી છે. છેલ્લાં બે વર્ષમાં 17 હોસ્પિટલ દ્વારા મા કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસેથી પૈસા વસૂલવામાં આવ્યાં છે. સરકાર દ્વારા આવી હોસ્પિટલો પાસેથી કોઈપણ પ્રકારનો દંડ વસૂલાયો નથી. આવી હોસ્પિટલોને ફરજ પડવાના બદલે સરકારે બરતરફ કરી અને નોટિસ આપી દીધી છે. દર્દી પાસેથી લીધેલા પૈસા હોસ્પિટલ પાસેથી વસૂલી સરકારે દર્દીઓને પરત આપ્યાં છે.

તો આ સાથે જ મા કાર્ડધારકો હોવા છતાં દર્દીઓ પાસેથી પૈસા વસૂલતી હોસ્પિટલોની યાદી રજૂ પણ કરવામાં આવી હતી. આ હોસ્પિટલોમાં ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ, બોડીલાઈન હોસ્પિટલ, પારેખ્સ હોસ્પિટલ, સેવીયર હોસ્પિટલ, વી એસ હોસ્પિટલ, શેલ્બી હોસ્પિટલ – નરોડા, સ્ટાર હોસ્પિટલ, નારાયણ હૃદયાલય હોસ્પિટલ, જીસીએસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, આનંદ સર્જીકલ હોસ્પિટલ, ગ્લોબલ હોસ્પિટલ, એચસીજી મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, લાઈફ કેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર, શિવાલિક હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ, સાલ હોસ્પિટલ જેવી જાણીતી ખાનગી હોસ્પિટલોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે નાણાં વસૂલ કરી લાભાર્થીઓને પૈસા પરત આપ્યાં છે ઉપરાંત હોસ્પિટલોને આ મામલે નોટિસ પણ આપવામાં આવી છે.

નાયબ મુખ્યપ્રધાને મા કાર્ડ અંગે મોટું નિવેદન આપતા કહ્યું છે કે, ‘અમદાવાદની કેટલીક હોસ્પિટલોમાં કાર્ડ ધારક સાથે પૈસા લેવામાં આવતા હોવાની ફરિયાદ થઇ હતી. સરકારે આ મામલામાં તપાસ કરાવી તો તે હોસ્પિટલમાં મા કાર્ડના ધારકો પાસેથી પૈસા લેવાતા હોવાનું પુરવાર થયું હતું. આવી હોસ્પિટલોને મા કાર્ડના નિદાન પર સસ્પેન્ડ કરવામાં આવી હતી. જે બાદ હોસ્પિટલ તંત્ર દ્વારા માફી પણ માંગવામાં આવી હતી. જનહિત માટે તે હોસ્પિટલોને ફરી મા કાર્ડ ધારકોનાં ઈલાજ કરવા માન્યતા આપવામાં આવી છે. મા કાર્ડ કે વાતસલ્ય કાર્ડ હોવા છતાં પણ દર્દીઓ પાસેથી જે હોસ્પિટલો પૈસા માગશે તેનું લાઇસન્સ હવે રદ કરવામાં આવશે. દર્દી પાસેથી લીધેલી રકમ કરતાં પણ વધુ રકમ ચૂકવવી પડશે ઉપરાંત તે હોસ્પિટલ સામે કડક પગલાં લેવામાં આવશે.છેલ્લા એક વર્ષ દરમિયાન અમદાવાદમાાં જ આશરે ૧,૯૪,૫૯૧ દર્દીઓને મા કાર્ડ હેઠળ સારવાર આપવામાં આવી હોવાની માહિતી આપવા સાથે નાયબ સીએમે જણાવ્યું હતું કે આ સારવાર પેટે રૂ. ૨૦૯૭ કરોડનો ખર્ચ કરવામાાં આવ્યો હતો.