રાજકોટમાં પ્રચાર વખતે ગુંડાઓનાં હુમલામાં ઈન્દ્રનીલ રાજ્યગુરુના ભાઈ ઘાયલ

રાજકોટ – ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સામે રાજકોટ-વેસ્ટ બેઠક પરથી ઊભેલા કોંગ્રેસના વિધાનસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુના ભાઈ દિવ્યનીલ (દીપુ) રાજ્યગુરુ કેટલાક ગુંડાઓએ ગઈ મોડી સાંજે કરેલા હુમલામાં ઘાયલ થયા છે અને એમને શહેરની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દિવ્યનીલ એમના ભાઈ માટે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે ગુંડાઓએ એમની પર હુમલો કર્યો હતો. એની જાણ થતાં ઈન્દ્રનીલ ત્યાં દોડી ગયા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસો વચ્ચે ઝપાઝપી થઈ હતી. એને પગલે પોલીસે ઈન્દ્રનીલની ધરપકડ કરી હતી.

દીપુ રાજ્યગુરુ પર બ્રહ્મ સમાજ ચોક ખાતે હુમલો કરવામાં આવ્યો હતો.

દિવ્યનીલ રાજ્યગુરુ – વોકહાર્ટ હોસ્પિટલમાં

ઈન્દ્રનીલ રાજકોટ-ઈસ્ટના સીટિંગ વિધાનસભ્ય છે.

પોતાના ભાઈ પર કરાયેલા હુમલા વિશે ફરિયાદ કરવા ઈન્દ્રનીલ અને કોંગ્રેસી કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશનમાં ગયા હતા ત્યારે ત્યાં ઈન્દ્રનીલ અને પોલીસો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્વરિત પગલું લેવાય એવી માગણી સાથે કોંગ્રેસી કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશનની બહાર ધરણા પર બેસી ગયા હતા.

પોલીસે ત્યારબાદ ઈન્દ્રનીલ તથા અન્ય 3 કોંગ્રેસી કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. એમાં મિતુલ દોંગા પણ છે, જેઓ રાજકોટ-ઈસ્ટ મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

ગઈ કાલે રાતના 11 વાગ્યે પણ કોંગ્રેસી કાર્યકર્તાઓ અને પોલીસો વચ્ચે ઝપાઝપી ચાલી હતી, બાદમાં પોલીસે ઈન્દ્રનીલના સમર્થકો પર લાઠીમાર કર્યો હતો.

ગુજરાત કોંગ્રેસના વડા ભરતસિંહ સોલંકીએ કહ્યું છે કે, હવે લોકોએ સમજવાની જરૂર છે કે ભાજપની સરકાર કઈ રીતે કામ કરી રહી છે. જો અમારા જેવા નેતાઓ સાથે આવું બનતું હોય તો સામાન્ય લોકો સાથે કેવું બની શકે એ લોકોએ સમજવું જોઈએ. આ તો ગંદું રાજકારણ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આવતી 9 ડિસેમ્બરે રાજકોટમાં મતદાન થવાનું છે.

જોઈન્ટ પોલીસ કમિશનર દિપક ભટ્ટે પત્રકારોને જણાવ્યું હતું કે પોસ્ટરો ફાડવાના મામલે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. એમાં દીપુ રાજ્યગુરુ ઘાયલ થયા હતા.

આ ઘટના બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને કોંગ્રેસી કાર્યકર્તાઓનું એક મોટું ટોળું રાજકોટમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યું હતું.

પરિસ્થિતિ વણસી ન જાય એટલા માટે પોલીસે ઈન્દ્રનીલ તથા અન્ય કોંગ્રેસી કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી.

આ ઘટના બની ત્યારે રૂપાણી એમના ઘરમાં જ હતા. પોલીસે એમના નિવાસસ્થાન ખાતે સુરક્ષા બંદોબસ્ત વધારી દીધો છે.