ગાંધીનગરમાં યોજાશે ફાર્મા એક્સપોર્ટ માટે ભારતનું સૌથી મોટું પ્રદર્શન

અમદાવાદઃ ધ ફાર્માસ્યુટીકલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ ઓફ ઈન્ડિયાએ ગાંધીનગરમાં 10 થી 12 જૂન, 2019 દરમિયાન તેના સૌથી મોટા ફ્લેગશીપ ઈવેન્ટનું આયોજન કરવાની જાહેરાત કરી છે. આ મેગા ઈવેન્ટમાં 130 દેશોના 700 થી વધુ ગ્લોબલ બાયર્સ સમક્ષ ભારતીય ફાર્માસ્યુટીકલ સેકટરની ઉત્તમ ક્ષમતા દર્શાવાશે.

મિડીયા સાથે વાત કરતાં IPHEX ના ચેરમેન વિજય શાહે જણાવ્યુ કે “અમે ગાંધીનગરમાં એક્સપોર્ટ  IPHEXનું આયોજન કરતાં આનંદ અનુભવીએ છીએ. હેલીપેડ એક્ઝીબિશન ગ્રાઉન્ડ ખાતે 30 હજાર ચો.મી. જગામાં ભારતની 350 થી વધુ અગ્રણી ફાર્માસ્યુટીકલ કંપનીઓ આ મેગા શોમાં ભાગ લઈ રહી છે. આ પ્રદર્શનની 7મી એડીશન છે. અગાઉની એડીશન મુંબઈ, હૈદ્રાબાદ અને દિલ્હીમાં યોજાઈ હતી.”

IPHEX ના ચેરમેને જણાવ્યું હતું કે “આઈપીએચઈએક્સ એ ફાર્મેક્સીલની નિકાસ બજાર વ્યૂહરચનાનો મહત્વનો હિસ્સો છે. અમેરિકા, ભારતીય નિકાસમાં 35 ટકાનો હિસ્સો ધરાવે છે. તે પછીના ક્રમે 15 ટકા ધરાવતા યુરોપ અને 17 ટકા ધરાવતા આફ્રિકાનો સમાવેશ થાય છે. આઈપીએચઈએક્સ ભારતીય કંપનીઓને લેટીન અમેરિકા, આફ્રિકા, સીઆઈએસના દેશો અને યુરોપિયન યુનિયનના નિકાસ બજારોમાં સહાયક બને છે. ભારતની ફાર્મા ક્ષેત્રની નિકાસમાં ચીન અને જાપાને નવા દ્વાર ખોલ્યા છે.”

આઈપીએચઈએક્સના ચેરમેને ભારપૂર્વક જણાવ્યું હતું કે“આઈપીએચઈએક્સ 2019 પરસ્પરના પરામર્શ અને બિઝનેસ નેટવર્કિંગ માટે ખૂબ જ મૂલ્યવાન બની રહેશે. “19 અબજ યુએસ ડોલરનું મૂલ્ય ધરાવતી ભારતની નિકાસ વર્ષ 2018-19માં 11 ટકાના દરે વૃધ્ધિ પામી હતી અને ટોચના તમામ 25 નિકાસ બજારોમાં હકારાત્મક વૃધ્ધિ દર દર્શાવાયો હતો.”

આઈપીએચઈએક્સ એ એવું પ્રદર્શન છે કે ડ્રગ્ઝ, ફાર્માસ્યુટિકલ્સ અને હેલ્થકેર ઉદ્યોગને એક જ મંચ પર સાથે લાવી રહી છે. તે ઈન્ડીયન ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટસ અને ટેકનોલોજીસનું વૈશ્વિક સમુદાય સમક્ષ સૌથી મોટું પ્રદર્શન છે. આ પ્રદર્શન ભારત અને દુનિયાની ટોચની કંપનીઓને  બિઝનેસ વધારવા માટેનું તથા નેટવર્કિંગનું મહત્વનું પ્લેટફોર્મ બની રહેશે.

ફાર્મેક્સીલ એ વૈશ્વિક સ્તરે ડ્રગ, ફાર્માસ્યુટિકલ્સ અને હેલ્થકેર ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી મધ્યસ્થ સંસ્થા છે. 3500 થી વધુ સભ્યો ધરાવતી ફાર્મેક્સીલ નિકાસમાં નિપુણતા હાંસલ કરવામાં અને વિદેશી ગ્રાહકોને ભારતીય ફાર્મા ઈન્ડસ્ટ્રીમાંથી યોગ્ય ટ્રેડ પાર્ટનર હાંસલ કરવામાં સહાય કરે છે.