અમદાવાદ બોમ્બધડાકા સાથે સંકળાયેલો 15 લાખનો ઇનામી આતંકી જૂનૈદ ઝડપાયો

0
2730

નવી દિલ્હી- અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ  સહિતના દેશના જુદાજુદા 5 સિરિઅલ બ્લાસ્ટ કેસોમાં સંકળાયેલો મોસ્ટ વોન્ટેડ આતંકી આરીઝ ઊર્ફે જૂનૈદને ઝડપી લેવામાં દિલ્હી પોલિસને સફળતા મળી છે.

ઇન્ડિયન મુજાહિદ્દીન આંતકી સંગઠન સાથે સંકળાયેલો આ વોન્ટેડ આતંકી દિલ્હીના બાટલા એન્કાઉન્ટર બાદથી ફરાર હતો. આ આતંકીની અનેક મામલાઓમાં તલાશ હતી.

ઉત્તરપ્રદેશના આઝમગઢનો રહેવાસી આરીઝ મુઝ્ફ્ફરનગરની એન્જીનિયરિંગ કોલેજમાં અભ્યાસ પડતો મૂકીને આતંકી સંગઠન સાથે જોડાઇ ગયો હતો. દિલ્હીના 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં આરીઝનું નામ સામે આવ્યું હતું.

દિલ્હી પોલિસના સ્પેશિયલ સેલે આ ખૂંખાર આતંકીને ઝડપી લીધો છે. આરીઝ પર સૌથી વધુ રુપિયા 15 લાખનું ઇનામ જાહેર થયેલું છે. દેશના લગભગ બધાં મોટા બોમ્બધડાકાઓમાં તે સંકળાયેલો છે. તેથી તેને પકડવા માટે નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સીએ 10 લાખ અને દિલ્હી પોલિસે 5 લાખનું ઇનામ જાહેર કરેલું હતું. અમદાવાદ દિલ્હી અને જયપુરમાં થયેલાં બોમ્બ ધડાકાઓમાં પણ તેની સંડોવણી બહાર આવી છે.

સપ્ટેમ્બર 2008ના દિલ્હીના ધડાકાઓમાં તેનું નામ બહાર આવતાં તેના પર એક લાખ રુપિયાનું ઇનામ જાહેર થયું હતું. બાટલા એન્કાઉન્ટર વખતે પોતાને બચાવીને ભાગવામાં સફળ થયેલો આ આતંકી કુલ1 65 લોકોના મોતનો જવાબદાર માનવામાં આવે છે.