ઝડપી વિકાસ પામતા રાજ્યોમાં અગ્રેસર ગુજરાતને ‘બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર એવોર્ડ’

નવી દિલ્હી- નવી દિલ્હીમાં ઇન્ડીયા ટુ-ડે કોન્કલેવ-ર૦૧૮ અંતર્ગત ગુજરાતને ‘બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ એવોર્ડ સ્વીકારતાં કહ્યું કે,  માત્ર ઊદ્યોગો જ નહિ, આરોગ્ય, શિક્ષણ, લઘુ ઊદ્યોગ ક્ષેત્ર તથા મહિલા સશકિતકરણ જેવા વિષયોમાં પણ ભાવિ દીર્ઘદ્રષ્ટિ સાથે ગુજરાત શ્રેષ્ઠ રાજ્ય બનીને દેશના અતિ ઝડપી વિકસીત રાજ્યોમાં અગ્રેસર બન્યું છે.

વધુમાં જણાવ્યું કે ગુજરાત ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ, ડેરી, એન્જીનીયરીંગ, ટેક્ષટાઇલ્સ વગેરે ક્ષેત્રોમાં નેશનલ લીડર છે. ગુજરાત મેન્યૂફેકચરીંગ હબ તરીકે જાણીતું છે. એટલું જ નહિ, વર્લ્ડ કલાસ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર, વર્લ્ડ કલાસ વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર અને વર્લ્ડ કલાસ રોડ નેટવર્ક પણ ગુજરાતના વિકાસના આગવા પરિમાણ છે.

મુખ્યપ્રધાને રાજ્યના પોર્ટ સેકટરની સિધ્ધિઓ અને વિશેષતાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, દેશના મોટા ભાગના માલ-સામાનની આયાત-નિકાસ ગુજરાતના ૪૮ જેટલા બંદરો પરથી થાય છે. ૧૯૯પમાં કુલ ૪૭પ લાખ મેટ્રિક ટન કાર્ગો હેન્ડલીગની સામે આજે ૪૪૦૦ લાખ મે.ટન ૧૦ ગણું કાર્ગો હેન્ડલીગ ગુજરાતના બંદરો કરે છે.૧૯૯૬માં દેશનું સૌ પ્રથમ ખાનગી પોર્ટ પીપાવાવમાં વિકસીત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ર૦૦૧માં દહેજમાં દેશનું પ્રથમ કેમિકલ ટર્મિનલ ગુજરાતે વિકસાવ્યું છે. દહેજ હવે તો દેશનું ફર્સ્ટ LNG ટર્મિનલ સાથે મલ્ટીપરપઝ પોર્ટ બન્યું છે.

રૂપાણીએ ગુજરાતના વિશ્વ સ્તરીય ઈરીગેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિષેની પ્રસ્તુતિમાં કહ્યું કે વર્ષ ૧૯૯૫માં રાજ્યમાં માત્ર ૩૫ લાખ હેક્ટર જમીન માટે સિંચાઈ સુવિધા ઉપલબ્ધ હતી જે હાલમાં વધારીને ૧૫૯.૧ લાખ એકર વિસ્તાર સુધીની થઇ છે. ઉદ્યોગ ક્ષેત્રે શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગેની ભૂમિકા આપતાં કહ્યું હતું કે ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ છે. માંડલ-બેચરાજી SIR(સ્પેશીયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝન) વિશ્વનાં સૌથી મોટા ઓટો હબ તરીકે ઉભરી  રહ્યા છે. મારૂતિ-સુઝુકી દ્વારા આ વિસ્તારમાં રૂ.૮,૦૦૦ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આ વિસ્તાર દિલ્હી-મુંબઈ ફ્રેઇટ કોરીડોરનો ભાગ છે તેથી વ્યુહાત્મક રીતે ખુબ મહત્વ ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે, આગામી 18-20 જાન્યુઆરી, 2019 ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 10 થી વધારે દેશો પાર્ટનર કન્ટ્રી છે. વાયબ્રન્ટ સમિટમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ ગુજરાતમાં રોકાણ કરવાના લક્ષ્યાંક સાથે ઇવેન્ટમાં ભાગ લેશે.