નર્મદા ડેમને લઈ ભરઊનાળે ટાઢક આપતાં ખબર, ઇન્દિરાસાગરથી પાણી છોડાયું

નર્મદાઃ નર્મદા સરોવરનો આજે સ્થાપના દિવસ છે. ત્યારે નર્મદા ડેમના 58મા સ્થાપના દિવસે ગુજરાતીઓ માટે સારાં સમાચાર આવ્યાં છે. મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે અને એના કારણે ડેમની સપાટીમાં વધારો થયો છે. છેલ્લા 36 કલાકમાં ડેમની જળ સપાટીમાં 15 સેમીનો વધારો થયો છે. ડેમની સપાટીમાં વધારો થતા ગુજરાતમાં જળ સંકટ અત્યારે ટળ્યું હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે. ડેમની સપાટીમાં વધારો થતાં ખેડૂતોની સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી શક્યતાઓ છે.

ભરઉનાળે ડેમની સપાટીમાં પાણીનો વધારો થતાં કેનાલમાં 5000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમનાં જળવિદ્યુત મથકો શરૂ થતાં જ સરદાર સરોવરમાં પાણીની આવકમાં વધારો થયો છે. છેલ્લા બે દિવસથી ડેમમાં 39,445 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં હાલમાં ડેમની સપાટી 119.38 મીટરે પહોંચી છે.

એકબાજુ ઉનાળે પોતાની ગરમી વરસાવવાનું શરુ કર્યું છે, ત્યારે બીજી બાજુ રાજ્યના અનેક તાલુકાઓમાં અછતની સ્થિતિ સર્જાઈ છે ત્યારે સરદાર સરોવરના સ્થાપનાદિને જ ડેમની સપાટીમાં વધારો થતા ખેડૂતો માટે સારાં સમાચાર આવ્યા છે. આગામી દિવસોમાં આ પાણી ખેતી અને સિંચાઈ માટે કેનાલમાં છોડવામાં આવે તો ઘણો ફાયદો થઈ શકે છે.