રાજ્યમાં અમદાવાદ સહિત કેટલેક ઠેકાણે છૂટોછવાયો વરસાદ, હજુ છે મોટી ઘટ

અમદાવાદ– વરસાદની મોસમમાં હવે ઝાઝો સમય નથી અને ઘણાખરા વિસ્તાર પૂરતાં વરસાદથી વંચિત છે. તેવામાં આજે સવારથી રાજ્યમાં વાદળોનો ગોરંભો જોવા મળ્યો હતો. મળતી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પણ પડ્યો છે.અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ વાદળો જોવાયાં છે અને ક્યાંક ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગે હાલની સીસ્ટમને લઈને સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ છવાયો છે. વલસાડ જિલ્લામાં પણ વરસાદ માહોલ જામ્યો છે તો વાપીમાં વરસાદ નોંધાયો છે.

બનાસકાંઠાના પાલનપુરમાં વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. શહેરમાં વરસાદી ઝાપટાંથી ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા વિરામ બાદ વરસાદના આવવાથી ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી હતી. તો મહેસાણામાં પણ હળવો વરસાદ નોંધાયો હતો. દાહોદમાં વાતાવરણમાં પલટો નોંધાયો છે. વાદળછાયા વાતાવરણ ધીમીધારે વરસાદ શર થયો છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે.

અનુમાન છે કે રાજ્યમાં હવે એકાદ અઠવાડિયામાં વરસાદ સત્તાવારપણે વિદાય લેશે. ખેડૂતોને ચિંતા થાય તેવા સમાચાર એ છે કે 8 વર્ષ પછી ગુજરાતમાં સીઝનનો સૌથી ઓછો 467.6 મીમી વરસાદ પડ્યો છે. હાલ રાજ્યમાં સીઝન દરમિયાન 20 ટકા અને અમદાવાદમાં 49 ટકા વરસાદની ઘટ છે. 2009માં 649.4 મીમી વરસાદ પડ્યો હતો. હજુ સુધી રાજ્યમાં સરેરાશ 73.66 % વરસાદ નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં આ વખતે વરસાદનું પ્રમાણ સાધારણ રહ્યું છે. ગત વર્ષે 7 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં 31.51 ઈંચ સાથે મોસમનો 105.09% વરસાદ પડી ગયો હતો.