જામનગરમાં સર્જિકલ સ્ટ્રાઇકની બીજી વર્ષગાંઠે એરફોર્સ સ્ટેશનમાં શસ્ત્રોનું પ્રદર્શન યોજાયું

જામનગર- એરફોર્સ સ્ટેશન જામનગર દ્વારા ભારતીય હવાઇદળની ૬૮મી વર્ષગાંઠની ઉજવણી અને ભારતીય સૈન્ય દ્વારા કરવામાં આવી હતી. સર્જિકલ સ્ટ્રાઇકની બીજી વર્ષગાંઠના અનુસંધાને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન એરફોર્સ સ્ટેશન જામનગરમાં થયું હતું.  ૨૮ અને ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ તથા કોલેજના વિદ્યાર્થીઓને ડિફેન્સમાં જોડાવાની પ્રેરણા મળે તે માટે વિવિધ વિમાનો, શસ્ત્રો અને અન્ય સાધનોનું સ્ટેટીક ડીસપ્લે રાખવામાં આવેલ હતું. આ સ્ટેટીક ડીસપ્લેને વાયુસેના જામનગરના એર ઓફિસર કમાન્ડીંગ વી.એમ.રેડ્ડી દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ૩૩ વીંગ જામનગર વાયુસેના એરફોર્સ સ્ટેશન દ્વારા ગરૂડ એરક્રાફટ SW-80, ચેતક હેલીકોપ્ટર,જગુઆર, MI-17 V5 હેપ્ટર હેલીકોપ્ટર, મીગ-૨૯, મીડીયમ મશીનગન 7.62 MM 2A1, રશીયન મીસાઇલ R73E, હારપુન મીશાઇલ, લાઇટ મશીનગન 5.6 MM 1A, સેનસોર ફ્યુઝેડ વેપન તથા હવામાંથી મુકવામાં આવતા અત્યાધુનિક શસ્ત્રોનું નિદર્શન રાખવામાં આવેલ હતું.

વાયુસેના જામનગર દ્વારા એર સેફટી સેકશન, ૧૧૯ હેલીકોપ્ટર યુનિટ, ૨૮ સ્કોડ્રન, નભાસ્ત્રા ધ ડિસ્ટ્રોયર યુનિટ દ્વારા સ્ટોલ ઉભા કરીને વાયુસેના દ્વારા ઉપયોગમાં લેવાતી વિવિધ વસ્તુઓનું નિદર્શન યોજાયું હતું.સ્ટોલમાં ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને આ તમામ પ્રકારની વસ્તુઓની જાણકારી અપાઇ હતી. વિદ્યાર્થીઓમાં આ જાણકારીને લઇને વાયુસેના માટે એક ગર્વની લાગણી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય વિદ્યાલય, એરફોર્સ સ્કૂલ તથા બાલાચડી સૈનિક સ્કૂલના બાળકો મુલાકાતે આવ્યાં હતા. જયારે વાયુસેના દ્વારા વોટર કેનન ફાયરીંગ અને સીગ્નલ કાર્ટીઝ ફાયરીંગનું નિદર્શન કરાવેલ ત્યારે ઉપસ્થિત વિદ્યાર્થીઓમાં વાયુસેના પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ૩૩ વિંગ વાયુસેના જામનગરના અધિકારીઓ, કર્મચારીઓ તેમના ધર્મપત્નિઓ અને કેન્દ્રીય વિદ્યાલય – ૧, એરફોર્સ સ્કુલ અને બાલાચડી સૈનિક સ્કુલના વિદ્યાર્થીઓ,  ઉપસ્થિત રહ્યાં હતાં.