ગુજરાતમાં આતંકી હુમલો થઈ શકે છે, આઈબી ઈનપુટ, સરકાર સતર્ક

ગાંધીનગર- કશ્મીરના પુલાવામા હૂમલા પછી પણ પાકિસ્તાન ભારત અને ખાસ કરીને ગુજરાતમાં નાપાક હરકત કરી શકે તેમ છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારેથી આતંકવાદીઓ ઘૂસ્યાં હોવાના અને તે ગુજરાતમાં હૂમલો કરે તેવા ઈનપુટ જાસુસી એજન્સીઓએ આપ્યા છે, જેને પગલે રાજ્ય સરકાર સર્તક થઈ ગઈ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં તેમના નિવાસસ્થાને એક વિશેષ બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યની સુરક્ષાની સમીક્ષા કરાઈ હતી, અને સુરક્ષાદળો અને પોલીસને એલર્ટ રહેવા જણાવ્યું છે.

રાજ્યની આઈબી દ્વારા સૂરતમાંથી મળેલા ઈનપુટને આધારે આઈબીએ રાજ્ય સરકારને પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યું છે કે ગુજરાતમાં પણ કશ્મીર જેવો આતંકવાદી હૂમલો થઈ શકે છે, તેવી શકયતા દર્શાવી છે. આઈબીને મળેલ ઈનપુટમાં રાજ્યના જાહેરસ્થળો જેવા કે રેલવે સ્ટેશન, એરપોર્ટ, જાહેર સ્થળો, શોપિંગમૉલ, મંદિર કે જ્યા વધુ અવરજવર હોય તેવા સ્થળો પર એટેક થવાની શકયતા દર્શાવી છે. આજે સીએમના નિવાસસ્થાને મળેલી બેઠકમાં પોલીસ વડા શિવાનંદ ઝા, એટીએસના વડા, આઈબીના વડા, મુખ્યપ્રધાન રૂપાણીની સાથે રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય સરકારે તાત્કાલિક દરિયા કિનારે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દીધી છે. કોસ્ટગાર્ડ અને નેવી સહિત દરિયામાં કોઈ શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારિકા, પોરબંદરના દરિયામાં માછીમારી કરતાં માછીમારોને પણ સુચના આપવામાં આવી છે કે કોઈપણ શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો સુરક્ષા એજન્સીઓને જાણ કરવી. ગુજરાતના વિવિધ જાહેર સ્થળો જેવા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદ, ગાંધીનગર, ડાકોર, સોમનાથ, દ્વારિકા, અંબાજી જેવા પવિત્ર સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા પણ કહેવાયું છે.