અમદાવાદ IIMમાં ભણીને વૈશ્વિક નામના પામનાર 7 પૂર્વ છાત્રોનું સન્માન

અમદાવાદઃ મેનેજમેન્ટક્ષેત્ર માટે ઉત્તમોત્તમ શિક્ષણસંસ્થાન તરીકે જાણીતી આઈઆઈએમએના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પોતાની સંસ્થા દ્વારા સન્માનવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. યંગ એલ્યૂમનાઇ અચિવર્સ એવોર્ડ- સફળ યુવા પૂર્વછાત્ર પુરસ્કાર-2018 એવોર્ડ એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જેઓ પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ ઉપલબ્ધિ મેળવી છે.આ વર્ષે એવોર્ડ પ્રાપ્ત કરનાર પૂર્વ વિદ્યાર્થીઓમાં કોર્પોરેટ અગ્રણીઓમાં અનુરાધા ચુગ- બેન એન્ડ જેરીના પ્રબંધ નિર્દેશક, પ્રકાશ ઝાંવર દક્ષિણ-પૂર્વ એશિયા અને ચીન વિસ્તારના ઓલમ ઇન્ટરનેશનલના ક્ષેત્રીય પ્રમુખ અને ઉત્સવ બૈજલ, એપોલો પ્રબંધન-એયોન કેપિટલ યુએસએ-ભારતમાં ભાગીદારનો સમાવેશ થાય છે.

કુલદીપ જૈન ક્લીનમેક્સ સૌર ઊર્જા સંસ્થાપક, મનીષ ગુપ્તા ઇન્ડિજેન સીઇઓને વેપાર ઉદ્યમી તરીકેની ઉપલબ્ધિ માટે સન્માનિત કરાયાં હતાં. જ્યારે શૈક્ષણિક કેટેગરીમાં રુટજર બિઝનેસ સ્કૂલ નેવાર્ક અને ન્યૂ બ્રન્સવિકના ડીન અશ્વિની મોંગાને સન્માનિત કરાયાં હતાં. કલા અને મનોરંજન શ્રેણીમાં જાણીતા લેખક ચેતન ભગતને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. પૂર્વ વિદ્યાર્થીઓએ આ અવસરે વર્ષો બાદ માતૃસંસ્થામાં મિલનનો આનંદ માણી અભ્યસકાળના સંસ્મરણ તાજાં કર્યા હતાં તેમ જ પોતાની કારકિર્દીના ઘડતરમાં આઈઆઈએમના પ્રદાનનો આભાર સહ ઉલ્લેખ કર્યો હતો.ચેતન ભગતે જણાવ્યું હતું કે મને આઈઆઈએમ દ્વારા પૂર્વછાત્ર સફલતા પુરસ્કાર મેળવતાં ખૂબ જ આનંદ થઇ રહ્યો છે, આ કેવળ મારી માતૃસંસ્થા જ નથી, સાથે દેશની શીર્ષ સંસ્થાઓમાંથી એક છે. ઘણાં પ્રતિષ્ઠિત પૂર્વછાત્રોએ આઈઆઈએમએમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે પરંતુ આ પ્રકારનું સન્માન મેળવવું સાચે જ ખૂબ વિશિષ્ટ છે.