હું શિવભક્ત છુંઃ પાટણમાં રાહુલ ગાંધી

પાટણ– કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધી સોમવારે પાટણ પહોંચ્યા હતા. ત્યાં પત્રકારોના સવાલના જવાબ આપતા કહ્યું હતું કે હું શિવભક્ત છું અને મને કોઈ ફરક નથી પડતો, ભાજપને જે કહેવું હોય તે કહે. રાહુલ ગાંધી ગુજરાતની ચાર વખતની મુલાકાત દરમિયાન તેમની યાત્રામાં આવતા તમામ મંદિરોમાં દેવદર્શન કર્યા હતા, જે પછી ભાજપે અનેક સવાલો ઉઠાવ્યાં હતાં અને સોશિયલ મીડિયામાં પણ રાહુલ ગાંધીની ટીકા કરી હતી.રાહુલ ગાંધી આજે મહેસાણા પાસે આવેલા બહુચરાજી મંદિરમાં દર્શન કરીને પૂજા કરી હતી. પાટણ પહોંચ્યા પછી રાહુલ ગાંધીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હું શિવભક્ત છું, સચ્ચાઈ પર વિશ્વાસ રાખું છું. ભાજપને જે બોલવું હોય તે બોલે, હું મારી સાચી વાત પર વિશ્વાસ રાખું છું.

તે અગાઉ ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા ભૂપેન્દ્ર યાદવે કહ્યું હતું કે કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યાં છે, અને પૂજા કરી રહ્યાં છે, તે આપણી સંસ્કૃતિનો હિસ્સો છે અને સારી વાત છે. પણ આ પ્રવૃત્તિ પોતાની મેળે આવતી હોય છે. તે ફકત ચૂંટણી સુધી સીમિત ન રાખવી જોઈએ.

રાહુલ ગાંધીએ 11 નવેમ્બરથી ત્રણ દિવસ ઉત્તર ગુજરાતમાં પ્રચાર કર્યો હતો. ઉત્તર ગુજરાત પીએમ નરેન્દ્ર મોદીનો ગઢ માનવામાં આવે છે. પણ ત્યાં રાહુલ ગાંધીએ પ્રચાર કરીને ગઢને કબજે કરવા માટે મહેનત કરી છે.