હેરિટેજ વીકઃ દેશના પેલેસોનું પ્રદર્શન…

અમદાવાદ-ભારત દેશ હાલ સ્વતંત્રતા ભોગવી રહ્યો છે. આ પહેલાં આખોય દેશ રાજા-રજવાડા-નવાબો દ્વારા ચાલતો હતો. ભારત દેશ આઝાદ થયા પછી પણ કેટલાક રજવાડાની વિરાસત હજુય અકબંધ છે. ભારતના શાહી ઘરાનાના લોકોએ સુંદર રીતે મહેલો—હવેલીઓની સાચવણી કરી છે. કેટલાક મહેલ અને હવેલીઓ હોટલમાં પણ રુપાંતરિત થઇ છે., તો ક્યાંક વીર રાજા-રજવાડાની ચીજવસ્તુઓ અને વીરતાની ઝાંખી દર્શાવતા પ્રદર્શનો પણ ખુલ્લાં મુકાયા છે. આવા સુંદર પેલેસોના ફોટોગ્રાફ્સનું એક પ્રદર્શન અમદાવાદના રવિશંકર આર્ટ ગેલેરી ખાતે મુકવામાં આવ્યું છે.ભાવનગર સ્થિત ફોટોગ્રાફર  અજય જાડેજા એ ગુજરાત અને રાજસ્થાનના પેલેસની સ્પેશિયલ મુલાકાતો લઇ તસવીરો લીધી છે. અત્યાર સુધી 55 જેટલા પેલેસની ફોટોગ્રાફી કરી આ પ્રદર્શન યોજ્યું છે. પેલેસ ના ફોટોગ્રાફ્સ લેવાની અજયભાઇની પ્રક્રિયા ચાલુ જ છે. રાજા-રજવાડા-નવાબોના આ પેલેસ આધુનિક ટેકનોલોજી  ડ્રોન દ્વારા પણ તસવીરો લેવાનો અજયભાઇ હવે પછીનો પ્રયાસ રહેશે.

અત્યારે અમદાવાદમાં પેલેસોની તસવીરોનું પ્રદર્શન શા માટે…??

જવાબમાં અજયભાઇ chitralekha.com ને જણાવે છે કે હાલ હેરિટેજનું મહત્વ વધતું જાય છે. હેરિટેજ વીક પણ લોકો ઉજવે છે. શિલ્પ-સ્થાપત્ય અને આપણી ધરોહરનો મોટો ખજાનો આપણા દેશમાં છે. જે લોકો સમક્ષ રજૂ કરવાનો મારો પ્રયાસ છે. 2002 થી 2017 સતત અને હજુ આગળ પણ પેલેસો પર જુદી જુદી કાર્ય કર્યું છે અને કરતો રહીશ. હાલ  રાજસ્થાન-ગુજરાતના પેલેસોની તસવીરો પ્રદર્શિત કરી છે.

આ પ્રદર્શનની ખાસ વિશેષતા એ છે કે ચોમાસા પછી સરસ રીતે ધોવાઇને સ્વચ્છ થયા બાદ સમગ્ર મહેલ-હેવેલીઓની આ તસવીરો લેવામાં આવી છે.

પેલેસો માટે કામ કરતા અજય જાડેજા ટ્રાફિક અવેરનેસ માટે પણ ખૂબ જ સુંદર કામ કરે છે. અજયભાઇએ અનેક પ્રદર્શન કર્યા છે. લિમ્કા બુક ઓફ રેકર્ડ જેવી પ્રતિષ્ઠિત જગ્યાએ નામ નોંધવ્યુ છે, સાથે અનેક એવોર્ડસ્ પણ મેળવ્યા છે.

હેરિટેજ વીકમાં યોજાયેલું આ પ્રદર્શન અમદાવાદ બાદ ઉદેપુર શહેરમાં યોજાનાર છે.

અહેવાલ અને તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ