ગીરસોમનાથમાં આકાશી આફત, 128 ગામડાઓમાં વીજળી ગુલ

0
1104

ગીરસોમનાથઃ ગીરસોમનાથ જિલ્લામાં આકાશી આફત વરસી છે. ગીરસોમનાથ જિલ્લાના અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતી સર્જાઈ છે. ઉના તાલુકામાં ગઈકાલે મોડી રાતથી ફરીથી વરસાદ શરૂ થયો છે. ઉના તાલુકાના અનેક ગામો એવા છે કે જ્યાં પાણી ફરી વળ્યા છે અને સાથે જ ઉનાથી દીવ તરફ જવાનો રસ્તો પણ અત્યારે ભારે વરસાદના પગલે બંધ કરી દેવામાં આવ્યો છે. તો ઉનાથી કોડિનાર જતા રસ્તાને પર પણ વરસાદી પાણી ફરી વળ્યા હોવાથી તેને બંધ કરી દેવામાં આવ્યો છે અને રસ્તાઓ બંધ થતા અસંખ્ય વાહન ચાલકો ફસાયા છે.

આજે સવારે 10 વાગ્યા સુધીના વરસાદી આંકડાઓની વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લામાં સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં એક થી આંઠ ઈંચ વરસાદ વરસ્યો છે. તો માણાવદરમાં 4 કલાકમાં 8 ઈંચ, મેંદરડામાં 4 ઈંચ, વંથલી અને કેશોદમાં 3 ઈંચ, માંગરોળમાં 3 ઈંચ, તો વીસાવદરમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.

તો છેલ્લા 24 કલાકમાં ગીર ગઢડા તાલુકામાં સૌથી વધારે 20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ઉના તાલુકામાં 18 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સોમવાર રાતથી મંગળવાર સવાર સુધીની વાત કરવામાં આવે તો ગીર ગઢડા તાલુકામાં આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના 128 ગામડાઓમાં વીજળી ગુલ થઈ ગઈ છે. જેમાં મોરબીના 12, જામનગરના 126, પોરબંદરના, 10, જૂનાગઢના 4, ભાવનગરના 34, અમરેલીના 47 અને બોટાદના 5 ગામનો સમાવેશ થાય છે. તો વરસાદને કારણે 593 વીજળીના થાંભલાઓને નુકસાન થયું છે.

ખેડુતોનો મોટુ નુકસાન

ઉના અને ગીર ગઢડા તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે ખેડુતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે ભારે વરસાદના કારણે મોટાપાયે ખેડુતોની જમીનનું ધોવાણ થયું છે. વરસાદના પાણીના કારણે ફળદ્રુપ જમીનો મોટા પ્રમાણમાં ધોવાઈ છે. ખેડૂતોએ વાવણી કરીને જે બીજી જમીનમાં વાવ્યા હતા તેનું ધોવાણ થઈ ગયું છે.