48 કલાક ભારે, અતિવરસાદની સ્થિતિને જોતાં NDRF ટીમો તૈયાર કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના તમામ ઘટનાક્રમ વચ્ચે હવામાન વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આ આગાહી બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના આધારે કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં અત્યારે લો પ્રેશર સર્જાયું છે. આ લો પ્રેશરના કારણે વરસાદની એક સિસ્ટમ સક્રિય બની છે જેના કારણે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

તો રાજ્યમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત સાથે તંત્ર એલર્ટ થઇ ગયું છે. ગુજરાતમાં ફરીથી સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીના પગલે પ્રિ-પોઝીશનિંગ અંતર્ગત NDRFની ટીમ સ્ટેન્ડ બાય કરાઈ છે. રાજ્યમાં કુલ NDRFની 15 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વડોદરા હેડક્વાર્ટર ખાતે 7 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક દરમિયાન વલસાડ,સૂરત,ભાવનગર,પાલનપુરમાં 1-1 ટીમ તહેનાત રહેશે, જ્યારે રાજકોટ અને ગાંધીનગરમાં NDRFની 2-2 ટીમ તહેનાત રાખવામાં આવી છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા આગોતરું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ફરીથી સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દાદરાનગર ડવેલી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, બરોડા, આણંદ, ખંડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં  સારો વરસાદ પડશે.