ઉમરગામમાં 8 ઈંચ વરસાદ, આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી છે. દક્ષિણ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે તો સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે.

તો આ સાથે જ દમણમાં પણ મેઘરાજાએ પધરામણી કરી છે અને વરસાદના કારણે દમણના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. વરસાદના કારણે ગરમીથી ત્રસ્ત બનેલા દમણવાસીઓને રાહત મળી છે.

અત્યાર સુધી રાજ્યના 23 જીલ્લાના 105 તાલુકામાં ઓછાવત્તા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. રાજ્યનો સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં નોંધાયો છે. વલસાડના ઉમરગામમાં 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો સાથે જ કપરડામાં 4 ઈંચ, બારડોલી અને ગણદેવીમાં 3 ઈંચ, વલસાડ, પલસાણા, ધરમપુર, વાપી, સોજીત્રા, આંકલાવ અને વાડિયામાં 2-2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર, સોમનાથ, ભાવનગર અને દીવમાં પણ આગામી સમયમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.