રાજ્યના અનેક શહેરોમાં હીટવેવની આગાહી, અમદાવાદમાં યલો એલર્ટ

અમદાવાદઃ હજી તો ઉનાળાની શરુઆત માત્ર થઈ છે, ત્યાં તો અમદાવાદમાં અંગ દઝાડતી ગરમીએ પોતાનો મિજાજ દેખાડ્યો છે. છેલ્લાં બે-ત્રણ દિવસથી અમદાવાદમાં 41-42 ડિગ્રી તાપમાન ચાલી રહ્યું છે.આ સાથે રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો ઉંચે ચડ્યો છે.

ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં રાજ્યના કેટલાક શહેરોમાં ગરમી વધવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદારા, વલસાડ, સૂરત, રાજકોટ, અમરેલી,કચ્છમાં હીટ વેવની વોર્નિંગ આપવામાં આવી છે.

અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદમાં ઉનાળાની શરુઆતમાં જ ગરમીએ પોતાનો મિજાજ બતાવવાનું શરુ કરી દીધું છે. પશુપક્ષીઓ અને મનુષ્યો સહિત તમામ લોકો આ અંગ દઝાડતી ગરમીથી પરેશાન છે. ત્યારે અમદાવાદમાં 40-42 ડિગ્રી સુધી ગરમીનો પારો રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં ભારે ભીષણ ગરમીના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક દરમિયાન ગરમીના પ્રમાણમાં વધારો થશે.

જેને લઈને નાગિરકોને આરોગ્યસંભાળ માટે વિવિધ સૂચનો જારી કરવામાં આવ્યાં છે જેમ કે પીવાનું પાણી લઈને બહાર નીકળવું અને થોડીથોડીવારે પાણી પીવું જોઇએ. તેમ જ અગત્યના કામ વગર ઘર બહાર ન નીકળવાની સલાહ પણ આપવામાં આવી છે.