“ચાર ચાર બંગડીવાળી ગાડી”ગીતનો વિવાદ, કોર્ટ સ્ટે લંબાવ્યો તો કિંજલે…

અમદાવાદઃ ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતના કોપી રાઈટ મામલે આજે કોમર્શિયલ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. કોર્ટે આ ગીત પર સુનાવણી કરતાં ગીત પરનો સ્ટે એક દિવસ લંબાવ્યો હતો. આ સાથે ગાયિકા કિંજલ દવેએ ગુજરાત હાઈકોર્ટમાં ગીત સામેના સ્ટેને પડકાર આપ્યો છે. આવતીકાલે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ખરવામાં આવશે. આ મામલે ઓસ્ટ્રેલિયાના એક યુવાન દ્વારા કોર્ટમાં કોપીરાઈટનો કેસ દાખલ કરવામાં આવ્યા બાદ કોર્ટે ગાયિકા કિંજલ દવેને જાહેર કાર્યક્રમોમાં ગીત ગાવાની મનાઈ ફરમાવી હતી. તો આ સાથે જ કોર્ટે આ ગીતને યુ-ટ્યુબ પરથી પણ ઉતારી લેવાનો આદેશ આપ્યો હતો.

આ મામલે આજે કોમર્શિયલ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આ ગીત બાબતે કિંજલ દવે, ગીતના લેખક મનુ રબારી અને સરસ્વતી સ્ટુડિયો તરફથી વકીલ મારફતે કોર્ટમાં રજુઆત કરવામાં આવી શકે છે.

મહત્વનું છે કે આ મામલે ઓસ્ટ્રેલિયાના યુવક કાર્તિક પટેલે ચાર ચાર બંગડી વાળી ગાડી ગીતની તેના મૂળ ગીત પરથી નકલ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

કોર્ટના આદેશ બાદ કિંજલ દવેએ જાહેર કાર્યક્રમોમાં આ ગીત ગાવાનું બંધ કરી દીધું હતું, એટલું જ નહીં યુ-ટ્યુબ પરથી આ ગીતની સામગ્રી હટાવી લેવામાં આવી હતી. જોકે, કિંજલ દવેએ દાવો કર્યો હતો કે આ ગીત તેના તરફથી નહીં પરંતુ સ્ટુડિયોની યુ-ટ્યુબ ચેનલ પરથી અપલોડ કરવામાં આવ્યું છે.