કાલથી હાર્દિકના આમરણાંત ઉપવાસ શરુ, ક્યાં થશે તે અનિશ્ચિત

અમદાવાદઃ પાટીદાર આંદોલન વખતે રામોલના કોર્પોરેટર પંકજ પટેલના ઘરે 20 માર્ચ 2017ના રોજ હાર્દિક પટેલ સહિતના લોકોએ તોડફોડ કરી હતી. આ મામલે કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. ત્યારે આ મામલે કોર્ટે હાર્દિકને રામોલમાં ન જવાની શરતે જામીન આપ્યા હતા. ત્યારબાદ 3 જાન્યુઆરી-18ના હાર્દિક રામોલમાં ગયો હતો જેથી કોર્ટની શરત ભંગ થવાથી જામીન રદ્દ કરવા માંગ કરવામાં આવી હતી. જેને લઇને આજે કોર્ટમાં સુનાવણી હતી ત્યારે આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર કોર્ટ દ્વારા ચૂકાદો અનામત રાખવામાં આવ્યો છે. જજ રજા પર હોવાથી આજે ચૂકાદો આવ્યો નથી અને હવે સમગ્ર મામલે સોમવારે ચૂકાદો આવે તેવી શક્યતાઓ છે.

આવતીકાલ 25 ઓગસ્ટથી હાર્દિક પટેલ ઉપવાસ પર ઉતરવાનો છે. જો કે હજી સુધી હાર્દિક પટેલને ઉપવાસની જગ્યા માટે મંજૂરી મળી નથી. સમગ્ર મામલે હાર્દિક પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે જો મારી ધરપકડ કરવામાં આવશે તો હું જેલમાં ઉપવાસ કરીશ. હાર્દિકે જણાવ્યું કે કોર્ટનો આદેશ શિરોમાન્ય રહેશે અને જો મારે જેલમાં જવું પડશે તો હું જેલમાંથી ઉપવાસ કરીશ અને સત્યના માર્ગે લડાઈ લડીશ. હાર્દિકે જણાવ્યું કે હું કોઈના દબાણને વશ થઈને લડાઈ નહી છોડું.

હાર્દિક પટેલે જણાવ્યું કે પાટીદારો ખેતી સાથે સંકળાયેલા છે અને જો સરકાર ખેડૂતોના દેવા માફ કરી દે તો કોઈ વાંધો નથી. આ સાથે જ હાર્દિકે વાત કરતા એ પણ ઉમેર્યું કે ગાંધીજી પણ એકલા જ લડાઈ લડ્યાં હતાં અને હું પણ એકલો જ લડાઈ લડીશ.