હાર્દિક પટેલની જાહેરાતઃ કોંગ્રેસની અનામત ફોર્મ્યુલાને અમે સ્વીકારી છે

અમદાવાદ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. હાર્દિક પટેલે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં અનામત અંગેની ફોર્મ્યુલા અંગે વાત કરી હતી. કોંગ્રેસે જણાવ્યું છે કે જો અમારી સરકાર બનશે તો વહેલામાં વહેલી તકે કોંગ્રેસ દ્વારા પાટીદાર અને બીનપાટીદાર સમાજને અનામત આપવાની ખાતરી આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા વિશેષજ્ઞો સાથે વાત કરીને અનામત આપવાની ફોર્મ્યુલા બનાવવામાં આવી છે. હાર્દિકે જણાવ્યું કોંગ્રેસ પાર્ટી સાથે પાટીદાર સમાજની માંગણીઓ માટે છેલ્લા ઘણા સમયથી બેઠકો અને ચર્ચાઓ થઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા અમારી માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા બંધારણીય રીતે ફોર્મ્યુલા આપવામાં આવી છે જેનો અમે સ્વીકાર કર્યો છે. પાટીદાર સમાજે પણ સહમતી દર્શાવી છે, તેમજ કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ પાટીદાર અનામત આંદોલનનો ઉલ્લેખ કરશે.

હાર્દિકે એ વાત પર સ્પષ્ટતા કરી કે અમે લોકો કોંગ્રેસના સમર્થક કે એજન્ટ નથી. કોગ્રેસ દ્વારા બિન અનામત પંચને 2000 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. પાટીદાર સહિત બિનઅનામત વર્ગને ઓબીસી સમકક્ષ લાભ આપવાની ફોર્મ્યુલા કોંગ્રેસ દ્વારા અમને આપવામાં આવી છે. હાર્દિકે જણાવ્યું કે કોંગ્રેસે અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે હાલની 49 ટકા અનામતમાં ફેરફાર વગર અમલ કરાશે અને જો કોંગ્રેસ સત્તામાં આવશે તો આ અંગે ખરડો પસાર કરવામાં આવશે. તો આ સાથે જ હાર્દિકે એ પણ ઉમેર્યું કે કોંગ્રેસે આપેલા ફોર્મ્યુલાનું અમારી સામાજીક સંસ્થાઓ ખોડલધામ અને ઉમીયાધામે પણ સમર્થન કર્યું છે.

ગુજરાતી કયારેય મુર્ખ ન હોય, તેવી વ્યક્તિને વોટ આપશે, જે ગુજરાતને સુખી સમૃધ્ધ બનાવે. અમે કોઈપણ પાર્ટી માટે પ્રચાર નહી કરીએ. હા… અમારા અધિકારીની વાત જે કરશે તેને અમારો સાથ હશે. ભાજપની નિયત સાફ નથી. તેમણે હોર્સ ટ્રેડિંગ શરૂ કર્યું છે. અપક્ષ તરીકે પાટીદારોને ઉભા રાખ્યા છે. જેથી મતોનું વિભાજન થાય અને ભાજપનો ઉમેદવાર જીતી જાય.

કોંગ્રેસ સત્તામાં આવશે તો અનામત અંગેનો ખરડો લાવશે. અનામતની ફોર્મ્યુલા પર સવિસ્તારથી ચર્ચા થઈ છે. અને અમને કોંગ્રેસ પર વિશ્વાસ છે. પાટીદાર અનામત આંદોલન ચાલુ જ રહેશે.

હાર્દિક પટેલે વધુમાં કહ્યું હતું કે હું અઢી વર્ષ સુધી કોઈપણ રાજકીય પાર્ટીમાં જોડાવાનો નથી, અમારા અધિકારની વાત કરે તેને અમારો સાથ રહેશે. PAASની નવી કોર કમિટી બનશે, પાસ તરફથી હું જ નિવેદન આપીશ.

(તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)