ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન પાર્ટ-2 માટે સક્રિય થયો હાર્દિક, કોંગ્રેસનો માગ્યો સાથ

અમદાવાદ- ગુજરાતમાં કોંગ્રેસના ટેકાથી પાટીદારો અનામત આંદોલન ફરી શરુ કરવાના મૂડમાં છે. ગુજરાતમાં પાટીદાર અને જનરલ કેટેગરીના અન્ય લોકો ભણતર અને નોકરી ક્ષેત્રે અનામતની માગ માટે ફરી આંદોલન કરવાની તૈયારી કરી રહ્યાં છે.મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને 16 ટકા અનામતને મંજૂરી આપતુ બિલ પાસ કરતા ગુજરાતમાં પણ અનામત આંદોલનને વેગ મળ્યો છે. મહારાષ્ટ્રમાં સુપ્રિમ કોર્ટે નિશ્ચિત કરેલી અનામતની 50 ટકા મર્યાદાથી ઉપર જઈને મરાઠાઓને અનામત આપવામાં આવી છે.પાટીદારોના અનામતને લઈન વિપક્ષ કોંગ્રેસ શું ભૂમિકા છે. તે સ્પષ્ટ કરવા માટે આજે હાર્દિક પટેલ વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે મુલાકાત કરશે. આ મુલાકાત સમયે મહારાષ્ટ્રની મરાઠાઓની જેમ ગુજરાતમાં પાટીદારોને કઈ રીતે અનામતનો લાભ મળી શકે તેમજ કોગ્રેસ તેમા કયા પ્રકારની મદદ કરી શકે તેના પર ચર્ચા થશે.

હાર્દિક પટેલે કહ્યું કે, ગુજરાતમાં બેરોજગારી વધી રહી છે, વાયબ્રન્ટના નામે MOU થયાં તો નોકરી કોને મળી? આ ઉપરાંત લોકરક્ષક પેપર લીક કૌભાંડ મામલે હાર્દિકે સીએમના રાજીનામાની માગ કરી છે.રાજસ્થાન ઉદેપુરની મુલાકાતે ગયેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે ભાજપ પર નોકરી સર્જનના નામે લોકોને દગો આપવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ તેણે પાટીદાર અનામત આંદોલનને વેગ આપવાની ધમકી પણ આપી હતી.

ગુજરાત ઓબીસી પંચને આપેલા મેમોરેન્ડમમાં હાર્દિકે લખ્યું હતું. પછાતો માટે બનેલા મહારાષ્ટ્રના કમિશને સ્વીકાર્યું છે કે, મરાઠા કોમ પછાત કેટેગરીમાં આવે છે. કમિશને મહારાષ્ટ્ર સરકારને ક્વોટાની મર્યાદા હાલની 52 ટકાથી વધારીને 68 ટકા કરી મહારાષ્ટ્રની કુલ વસ્તીના 32 ટકા મરાઠાને 16 ટકા અનામત આપવાની પહેલ કરી છે. એ વાત ખેદજનક છે કે, ગુજરાતમાં પાટીદાર કોમ માટે અનામત શક્ય નથી. હાર્દીકે આ માટે સ્વતંત્ર કમિટીની રચના કરવાની માંગ કરી છે, જેમાં પાટીદાર પ્રતિનિધિઓ હોય અને સરકારે આ માટે સર્વે હાથ ધરવો જોઈએ એવું પણ સૂચન કર્યું હતું.