હવે છેવટની લડાઈ… પાટીદારો માટે અનામત: હાર્દિક પટેલના 25 ઓગસ્ટથી આમરણ ઉપવાસ

0
1796

અમદાવાદ – પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે આજે જાહેરાત કરી છે કે સરકારી નોકરીઓમાં તેમજ શિક્ષણ સંસ્થાઓમાં પાટીદાર સમાજના લોકો માટે બેઠકો અનામત રાખવાની માગણી પર દબાણ લાવવા માટે પોતે આવતી 25 ઓગસ્ટથી આમરણ ઉપવાસ પર બેસશે.

24-વર્ષીય આંદોલનકારી હાર્દિક પટેલ 2015માં પાટીદાર અનામદ આંદોલન સાથે ગુજરાતના રાજકીય ક્ષેત્રે પ્રકાશમાં આવ્યા હતા. એમણે સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી સરકાર પાટીદારો માટે અનામત માટેની માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી પોતે એમની ભૂખહડતાળ ચાલુ રાખશે અને અન્ન-જળનો ત્યાગ કરશે.

પોતાના સત્તાવાર ફેસબુક પેજ પર પોસ્ટ કરેલા વિડિયો સંદેશામાં પટેલે કહ્યું છે કે પાટીદાર સમાજ માટે અનામતનો મુદ્દો એમને માટે ટોચની પ્રાથમિકતા છે. ‘આ આપણી છેલ્લી લડાઈ છે. કાં તો હું મારા જાનનું બલિદાન આપી દઈશ અથવા આપણે અનામત મેળવીશું. મારે આ માટે તમારો ટેકો જોઈએ છે. લડાઈ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે,’ એમ તેમણે સંદેશામાં કહ્યું છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિ (PASS)ના સંયોજક અલ્પેશ કથિરીયાએ કહ્યું છે કે હાર્દિક પટેલના ઓગસ્ટમાંના આમરણ ઉપવાસ માટેના સ્થળ વિશે હજી નિર્ણય લેવાયો નથી. એ લેવાશે ત્યારે મિડિયાને જાણ કરવામાં આવશે.

તારીખ ૨૫ ઓગસ્ટ પાટીદાર ક્રાંતિ દિવસ થી અમદાવાદ ખાતે પાટીદાર સમાજ ને અનામત આપો ની માંગ સાથે અન્ન ના ત્યાગ સાથે આમરણ ઉપવાસ ઉપર ઉતરીશ.હવે છેલ્લું અને આર અથવા પાર !! અનામત,બેરોજગારી અને ખેડૂતો ની મુશ્કેલી આ મારી પ્રાથમિક લડાઈ છે.પરંતુ ગુજરાત માં કોઈ સામાજિક જનતા ને લગતો મુદ્દો હશે તો હું એ મુદ્દાની લડાઈમાં પહેલો ઉભો રહીશ.જય સરદાર

Hardik Patel द्वारा इस दिन पोस्ट की गई शनिवार, 7 जुलाई 2018