પ્રવાસનમાં આવકજાવકનો હિસાબઃ 5 વર્ષમાં 14 ટકાની વૃદ્ધિ થઈ હોવાનો સરકારનો દાવો

ગાંધીનગર- ભારતના ફિલ્મ જગતના મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા બોલાયેલા આ શબ્દો ‘ખુશ્બૂ ગુજરાત કી’ અને  ‘કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં’. સૌ કોઈએ સાંભળ્યાં જ હશે. હાલ વિધાનસભા સત્ર દરમિયાન ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 14 ટકાની વૃદ્ધિ નોંધાઇ હોવાનો દાવો પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ ગૃહમાં કર્યો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતાં ત્યારે ગુજરાત ટુરિઝમને વેગવંતો કરીને ચોમેર ગુજરાતની ખ્યાતિ પ્રસરાવી હતી. જે બાદ ગુજરાતમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો હતો.

વિધાનસભા ગૃહમાં પ્રવાસન વિભાગની માગણી પરની ચર્ચાનો જવાબ આપતા પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ કહ્યું કે પ્રવાસન વિકાસને વેગવંતો બનાવવા માટે વર્ષ 2019-20માં 401 કરોડની જોગવાઈ અને નવી બાબતો હેઠળ 71 કરોડ મળી કુલ 472 કરોડની જોગવાઇ કરાઇ છે.

રણોત્સવ થકી 15 લાખ માનવદિન રોજગારી સર્જાઈ

પ્રવાસન વિભાગ દ્વારા રણોત્સવની છેલ્લા પાંચ વર્ષમાં 12 લાખ લોકોએ મુલાકાત લીધી અને 2.30 લાખ લોકોએ રાત્રિ રોકાણ કર્યું છે. રણોત્સવમાં છેલ્લા એક વર્ષમાં એક લાખ પ્રવાસીઓએ રાત્રિ રોકાણ કર્યું અને જેના કારણે 15 લાખ માનવદિન રોજગારી ઊભી થઈ હોવાનો દાવો પણ સરકારે કર્યો છે. પ્રવાસનપ્રધાન જવાહર ચાવડાએ દાવો કર્યો કે રણોત્સવને કારણે 81 કરોડની આવક થઈ છે.

આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવથી 1800 કરોડની આવક

રાજ્યમાં નવરાત્રિ મહોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને બીચ ફેસ્ટિવલ દ્વારા ગુજરાતની આવકમાં મોટો વધારો થયો હોવાનો દાવો સરકારે કર્યો છે. પ્રધાન જવાહર ચાવડાના દાવા પ્રમાણે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવથી સ્થાનિક પતંગ ઉદ્યોગને 1800 કરોડની આવક થવા પામી છે.

 

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં છેલ્લા ત્રણ વર્ષમાં 38 સ્થળોએ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ-વિદેશના 1 હજાર 750 પતંગબાજોએ ભાગ લીધો અને 12 લાખ લોકોએ પતંગોત્સવ માણ્યો. બીજી તરફ પ્રવાસન વિભાગ દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્સવમાં વિદેશી પ્રવાસીઓ, એનઆરઆઇ અને સ્થાનિક મળીને કુલ 31 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી.

બીચ ફેસ્ટીવલ

બીજી તરફ વર્ષ 2018માં કુલ 3 સ્થળોએ બીચ ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો. જેમાં 1.71 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી. સીમા દર્શન કાર્યક્રમ અંતર્ગત 50 કરોડના ખર્ચે નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય સુવિધાઓની કામગીરી પ્રગતિમાં છે. અને અત્યાર સુધી 2.75 લાખથી વધારે લોકોએ તેની મુલાકાત લીધી છે. રાજ્ય સરકારે દાવો કર્યો છે કે રાજ્યમાં 352 નોંધાયેલા પ્રવાસન એકમોમા સંભવિત 12 હજાર 437 કરોડનું મૂડી રોકાણ થશે અને રાજ્યમાં 20 હજારથી વધુ લોકો માટે રોજગારી ઉભી થશે.

ડાયનોસોર પાર્ક(ફોસિલ પાર્ક, રૈયોલી, બાલાસિનોર)

ડાયનોસોર મ્યુઝીયમ દુનિયાનો ત્રીજો સૌથી મોટો અને દેશનો સર્વ પ્રથમ ડાયનાસૌર અને ફોસીલ પાર્ક છે. બાલાસીનોર પાસે રૈયોલી ખાતે ડાયનોસોરના ઈંડા જ્યાંથી મળ્યા છે,એવા સ્થળે વૈશ્વિક આર્કિયોલોજીકલ મહત્વ ધરાવતા ‘ડાયનોઝોન’નું કાર્ય ખૂબજ ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન તાજેતરમા ૮મી જુન ૨૦૧૯ના રોજ મુખ્યપ્રધાને કર્યું છે.

જેમાં મુખ્ય આકર્ષણ:-

  • ડાયનાસોરના અવશેષોનું ડિસપ્લે
  • ૩-ડીફીલ્મ
  • મેસોઝોઈક સમયનું વાતાવરણ તથા ડાયનાસોર ડિસપ્લે
  • રાજાસૌરસ ડાયનાસોરનું સ્ક્લ્પ્ચર
  • સીટીંગ અને રેસ્ટોરન્ટ સ્પેસનું રીનોવેશન