વર્લ્ડ વેલ્થની દ્રષ્ટિએ ગુજરાત, રીપોર્ટમાં છલકાઈ ગુજરાતીઓની સમૃદ્ધિ

અમદાવાદઃ વર્લ્ડ વેલ્થ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રીપોર્ટ અનુસાર ગુજરાત પાસે અંદાજે 56 લાખ કરોડ રુપિયાનું ધન છે. વર્લ્ડ વેલ્થ રિપોર્ટ મુજબ સૌથી સમૃદ્ધ દેશોમાં ભારત છઠ્ઠા ક્રમે છે. જેમાં ગુજરાતનો મહત્વનો ફાળો છે.

વિશ્વના કુલ 19 દેશ જેટલી જીડીપી માત્ર ગુજરાત ધરાવે છે. જેમાં ફાર્માસ્યુટીકલ સેક્ટર અને હીરા ઉદ્યોગનો ફાળો છે. વર્ષે 2 લાખ કરોડનું ટર્નઓવર ધરાવતો ડાયમન્ડ સેક્ટર વર્ષે 2 લાખ કરોડના હીરા એક્સપર્ટ કરે છે. તાજેતરના બાર્કલેના અહેવાલ મુજબ, ગુજરાતમાં 58 લોકો પાસે 2 લાખ 54 હજાર 400 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જેમાં ગૌતમ અદાણી સૌથી વધુ 71,200 કરોડ ધરાવે છે.

જ્યારે ઝાયડસ કેડિલા જૂથના પંકજ પટેલ 32,100 કરોડ ધરાવે છે. કુલ કરોડપતિઓના 84 ટકા અમદાવાદમાં રહે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ, ભારતીય પરિવારો પાસે અંદાજે 23થી 24 હજાર ટન સોનુ છે. જે મુજબ માત્ર ગુજરાતીઓ જ 6થી 7 હજાર ટન સોનુ ધરાવે છે. આ આંકડો જો કે ચોક્કસ નથી પણ તેના દ્વારા આ તાગ મેળવી શકાય છે કે સોનુ ખરીદવામાં ગુજરાત અન્ય રાજ્યોની હોડમાં છે. આરબીઆઇના અહેવાલ મુજબ, માર્ચ 2017 સુધીમાં રાજ્યની બેંકોમાં પડેલી ડિપોઝિટ 6.2 લાખ કરોડ છે.

માર્ચ 2016 સુધી 5.3 લાખ કરોડ હતી. 1 લાખ કરોડનો એક વર્ષમાં વધારો થયો છે. ધર્મજ (1200 કરોડ) અને માધાપર (5000 કરોડ) એ બે જ ગામની કુલ થાપણો 6 હજાર કરોડથી વધારેની છે. મોટો ફાળો મેળવતા ચાર મોટા મંદિરોની વાર્ષિક આવક 100 કરોડ રૂપિયા કરતા વધારે છે. જેમાં અંબાજીની વાર્ષિક આવક સૌથી વધુ 42 કરોડ રૂપિયા છે. જ્યારે દ્વારકાધીશ મંદિરની 10 કરોડ તો ડાકોરના રણછોડરાય મંદિરની 12 કરોડ રૂપિયા છે. સોમનાથની 40 કરોડ છે જેમાં માત્ર પ્રસાદની આવક 8 કરોડની છે.