31મેએ થઇ જશે આ મહાઝૂંબેશનું સમાપન, તમામ સમાજના દંપતિ લેશે ભાગ

ગાંધીનગર- રાજ્યમાં પહેલી મેથી શરુ કરાયેલાં જળસંચય-જળસંગ્રહના કાર્યક્રમનું સમાપન આ  માસની અંતિમ તારીખે કરવામાં આવશે. આ જનઝૂંબેશનું સમાપન ૩૧મી મે એ રાજ્યભરમાં વિવિધ સમાજના દંપતિના હસ્તે નર્મદા જળ પૂજન કરાવીને થશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ ઝૂંબેશ સામાજિક સમરસતાની દ્યોતક પણ બની રહેશે. તેમણે ભરઉનાળામાં, ૪૫ ડિગ્રી ગરમીમાં પરસેવો પાડીને યોગદાન આપનાર સૌને અભિનંદન પાઠવ્યાં હતાં.

રુપાણીએ સીએમ નિવાસસ્થાને ખાસ તૈયાર કરાયેલી કમાન્ડ કન્ટ્રોલ વોલ મારફતે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કુંવાસણા ગામના નાગરિકો, અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના મોટા લીલીયાના ગ્રામજનો, પંચમહાલ જિલ્લાના હાલોલ, આણંદ જિલ્લાના ચિખોદરા ગામના લોકો, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારીયાના ગ્રામજનો, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પેછડાલના ગ્રામીણ લોકો તથા ભરૂચ જિલ્લાના પારખેત ગામના સરપંચ અને લોકો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી સીધી જ વાત કરીને સુજલામ્ સુફલામ્ જળ અભિયાનની કામગીરીની સમીક્ષા કરીને ગ્રામજનોના પ્રતિભાવો સાંભળ્યા હતા.

રાજ્ય સરકાર આગામી ત્રણ વર્ષ સુધી સુજલામ્ સુફલામ્ જળ અભિયાન ચાલુ રખાશે. આ વર્ષે ચોમાસુ પણ સારું રહેશે એવો વરતારો છે ત્યારે રાજ્યમાં તળાવો-જળાશયો ઊંડા કરવાનું આ કામ ખૂબ લાભદાયી પૂરવાર થશે. જે જિલ્લાઓમાં હજુ કામો ચાલી રહ્યા છે, તે ઝડપભેર પૂર્ણ કરવા વહીવટીતંત્રને તાકીદ કરવામાં આવી હતી.