જાણી લો, હવે આવી નવી વ્યવસ્થા, ભ્રષ્ટાચારને ડામવા ડિજિટલ યુગનું પગલું

ગાંધીનગર– રાજ્યમાં હવેથી મહાનગર પાલિકા, નગરપાલિકા અને શહેરી સત્તામંડળ હેઠળની વિવિધ યોજનાના પ્લાનને મંજૂરી અપાશે. મુખ્યપ્રધાન રુપાણીએ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી રાજ્યમાં ઓનલાઇન પ્લાન મંજૂર કરવાની વ્યવસ્થાનો પ્રારંભ કરાવ્યો હતો. સરકાર ભ્રષ્ટાચારથી પરેશાન છે ત્યારે આ પ્રકારની વ્યવસ્થાથી પારદર્શિતાનો હેતુ જોવાયો છે.રાજ્યમાં હવેથી મહાનગરપાલિકા, નગરપાલિકા અને શહેરી સત્તામંડળ હેઠળની વિવિધ યોજના પ્લાનને મંજૂરી અપાશે. તેની દરખાસ્ત પણ ઓનલાઇન મોકલી શકાશે.  મુખ્યપ્રધાન વિજય રુપાણીએ જણાવ્યું કે આ નવી વ્યવસ્થા સાથે કામ કરવાથી વહીવટ પારદર્શી બનશે.

સરકારના પુલો, તળાવો, બિલ્ડિંગો, વિવિધ બાંધકામ, રોડ, ગટર સહિતના અનેક પ્રોજેક્ટની મંજૂરી માટે હવે કોન્ટ્રાક્ટરો સહિત અરજદારોને સરકારી કચેરીના ધક્કા ખાવા પડશે નહીં. કોઈપણ જગ્યાએથી ઓનલાઇન અરજી કરી શકાશે.

આ નવી વ્યવસ્થાને ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન સિસ્ટમ નામ આપવામાં આવ્યું છે. આ રીતે રાજ્યમાં ડિજિટલ યુગમાં વધુ એક ડગ આગળ વધારવામાં આવ્યું છે.મુખ્યપ્રધાને જણાવ્યું કે ૧રપ ચોરસ મીટર બાંધકામ માટે પરવાનગીમાંથી મુકિત આપીને સરકારે સામાન્ય માનવીમાં ભરોસો મૂક્યો છે કે તે ખોટું નહીં જ કરે. ઓનલાઇન પદ્વતિ શરૂ કરવા સાથે 162 નગરપાલિકાઓના વહીવટને જવાબદાર અને સ્થાનિકસ્તરે નિર્ણય તથા વિકાસ આયોજન માટે પ્રાદેશિક કચેરીઓ સંપૂર્ણ સત્તાધિકારો સાથે શરૂ કરવાની પહેલ ગુજરાતે કરી છે તેમ જણાવ્યું હતું. સરકાર દ્વારા સમગ્ર નગરપાલિકા તંત્રને અન્ડર વન અમ્બ્રેલા લાવવાની આ પહેલ ગુજરાતના વિકાસમાં બળ પૂરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.