એસટી નિગમની કોર્પોરેટ ઓફિસ શરુ, ST બસ ભાડે મેળવવી બની આસાન

0
1259

અમદાવાદ- શહેરના રાણીપમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ, વાહન વ્યવહારપ્રધાન આર.સી.ફળદુની ઉપસ્થિતિમાં એસટી નિગમની કોર્પોરેટ ઓફિસનો શુભારંભ કરાવ્યો હતો.ગુજરાત રાજ્યની એસ.ટી. નિગમની કોર્પોરેટ ઓફિસ દ્વારા નિગમની કેટલીક કામગીરીઓમાં સરળતા થશે. આ કોર્પોરેટ ઓફિસ અને કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ રૂમ ખાતેથી રાજ્યભરની તમામ બસોનું જીપીએસ આધારિત મોનિટરીંગ સીસ્ટમથી મોનિટરીંગ કરવામાં આવશે. સાથે જ અમદાવાદમાં જુદીજુદી જગ્યાએ બેસતાં નિગમના કર્મચારીઓનું આ એક જગ્યાએથી સંચાલન કરવામાં આવશે.

સીએમ રુપાણીએ કાર્યક્રમ દરમિયાન એસટી બસ વિવિધ પ્રસંગોમાં ભાડે લેવા માટેની અગત્યની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ખાનગી બસોના વિકલ્પરુપે લોકોને સરળતાથી એસટી બસ ઉપલબ્ધ કરાવાશે.

હવેથી લગ્નપ્રસંગે 20 કિલોમીટર સુધીની મુસાફરી માટે 1200 રુપિયાના ભાડે બસ મળશે. 40 કિલોમીટરની મુસાફરી માટે 2000 અને 60 કિલોમીટરની મુસાફરી માટે 3000 રુપિયાના દરે એસટી બસની સુવિધા નાગરિકો મેળવી શકશે.

સીએમ રુપાણીએ મેટ્રો લિન્ક બસ સેવાઓનો શુભારંભ પણ કરાવ્યો હતો.