મહેસૂલવિભાગની આઠ સેવા હવે આંગળીના ટેરવે, કુલ 10 સેવા ઓનલાઈન

ગાંધીનગર- રાજ્ય સરકારે પારદર્શી અને ગતિશીલ પ્રશાસનની નેમ સાથે મહેસૂલ વિભાગની નાગરિકો-પ્રજાલક્ષી કામગીરીની સરળતા માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. રાજ્યભરમાં બિનખેતીની પ્રક્રિયાને ઓનલાઈન કરવાની સફળ કામગીરી બાદ ખેતી / બિનખેતીના પ્રિમિયમની પરવાનગી તથા સ્ટેમ્પ ડ્યૂટી પણ હવે ઓનલાઈન  ભરપાઈ કરવા માટે ઈ-પેમેન્ટની વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં કરવાની જાહેરાત કરી છે.

મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે આ નિર્ણયોની ભૂમિકા આપતાં જણાવ્યું કે વિવિધ મહેસૂલી સેવાઓ ઓનલાઈન કરવામાં આવતા સેવાઓ ઝડપી અને સરળ બનવાના પરીણામે નાગરિકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. માત્ર ત્રણ માસમાં આશરે 8500 જેટલી એન.એ.ની અરજીઓ ઓનલાઇન મળી છે. ઓનલાઈન મળેલ અરજીઓ પૈકી 55 ટકા અરજીઓ માત્ર 7-10 દિવસમાં તથા 40 ટકા અરજીઓ મહત્તમ 45 દિવસમાં મંજૂર કરવામાં આવી છે.

પટેલે ઉમેર્યું કે, ‘‘ડિજિટલ ઈન્ડિયા’’ ઝૂંબેશને આગળ ધપાવવા, રાજ્ય સરકારે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને મહેસૂલ વિભાગની કામગીરી સરળ, ઝડપી, સિટિઝન સેન્ટ્રિક બને તે હેતુસર અનેકવિધ નવા આયામો ખૂબ જ ટૂંકા ગાળામાં હાથ ધર્યા છે. જેના પરીણામે 15 માસ જેટલા ટૂંકા ગાળામાં 10 જેટલી મહેસૂલી સેવાઓ ઓનલાઈન થશે. રાજ્ય સરકારે ૬ ડિસેમ્બરે રાજ્યના પાંચ જિલ્લાઓમાં આવી ઓનલાઇન પ્રિમીયમ પરવાનગી અમલી બનાવ્યા બાદ તેની સફળતાને પગલે હવે સમગ્ર રાજ્યમાં આ પધ્ધતિ અપનાવવામાં આવશે.

ઓનલાઈન થનાર મહેસૂલી સેવાઓ:

(1) ગણોતધારાની કલમ-43 તેમજ નવી શરતની જમીન ખેતી / બિનખેતીના હેતુસર શરતફેર કરવા અંગે પ્રિમિયમની પરવાનગી

(2) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-65(ક) હેઠળ બિનખેતીના ઉપયોગની હેતુફેરની પરવાનગી

(3) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-65(ખ) હેઠળ બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીઝ માટે ખેતીની જમીનમાં બિનખેતીની પરવાનગી

(4) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-66 હેઠળ ખેતીની જમીનમાં પરવાનગી વિના કરેલ મળવાપાત્ર બાંધકામને નિયમોનુસાર દંડ વસૂલી બિનખેતીની પરવાનગી આપી આવું બાંધકામ વિનિયમિત કરવું

(5) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-67 હેઠળ બિનખેતીની જમીનમાં વગર પરવાનગીએ  હેતુફેર તથા કલમ-65 ની શરતોનું પાલન ન કરવામાં આવેલ હોય તેવા કિસ્સાઓમાં  નિયમોનુસાર દંડ વસુલીને પરવાનગી

(6) ગણોતધારાની કલમ-63 હેઠળ કંપની અથવા બિન ખેડૂતોને ખેતીની જમીન ખરીદવાની પરવાનગી (7) ગણોતધારાની  કલમ-63(AA) હેઠળ બોનાફાઈડ ઈન્ડસ્ટ્રિયલ પર્પઝ માટે ખેતીની જમીન ખરીદવાની પરવાનગી

(8) ઈ-ધરામાં વારસાઈ નોંધ માટેની અરજીનો સમાવેશ થાય છે.