ગુજરાત મોન્સૂનઃ 19 જળાશયો હાઇ એલર્ટ : 5 ડેમ એલર્ટ, નર્મદા ડેમ 111.23 મીટર

ગાંધીનગર- ગુજરાતના પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે ગુરુવારે ૧૯/૦૭/૨૦૧૮ના રોજ સવારે ૮-૦૦ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન વ્યાપક વરસાદને કારણે રાજ્યના ૧૯ જળાશયો હાઇએલર્ટ, 05 જળાશયો એલર્ટ તેમ જ ૧૩ જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે. ફાઇલ ચિત્ર

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર (નર્મદા ડેમ) ૧૧૧.૨૩ મીટરની સપાટીએ પહોંચ્યો છે. આ સાથે નર્મદા ડેમ ૩૯.૭૮ ટકા ભરાયો છે. રાજ્યમાં નવસારી જિલ્લાનું ઝૂજ અને કેલિયા, અમરેલીનું વાડિયા અને ધાતરવાડી, જામનગરનું પુના, ઉન્ડ-૩ અને ફુલઝર-૧, ભાવનગરનું રોજકી અને બાગડ, ગિર સોમનાથનું મચ્છુન્દ્રી, જૂનાગઢનું મધુવંતિ, પોરબંદરનું અમીરપુર અને તાપીનું દોસવાડા જળાશય સંપૂર્ણ તેમજ રાજકોટનું મોતીસર, ભરૂચનું ઢોળી, જામનગરનું કંકાવટી, જૂનાગઢનું અંબાજલ અને ઓઝત-ર, તેમજ ગિર-સોમનાથનું હિરણ-ર જળાશય ૯૦ ટકાથી વધુ ભરાતા કુલ ૧૯ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ગિર-સોમનાથ જિલ્લાનું રાવલ અને શિંગોડા રાજકોટનું ભાદર-ર અને ફોફલ-૧, અમરેલીનું સંક્રોલી મળી કુલ ૦૫ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરાયા છે. જ્યારે અન્ય ૧૩ ડેમો માટે ચેતવણી આપવામાં આવી છે.