ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ સુધારા વિધેયક પાસ, મકાનમાલિકો જાણી લે કે…

ગાંધીનગરઃ ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ હેઠળ આવતા જર્જરીત અને ખંડેર મકાનોના મકાન માલિકો અથવા તેનો ભોગવટો કરનારમાથી ૭૫ ટકાથી ઓછા નહીં તેટલા માલિકો અથવા તેનો ભોગવટો કરનારની સંમતિ મેળવ્યા પછી જર્જરિત મકાનોનો પુનઃ વિકાસ માટેની જોગવાઇ કરવાનાં હેતુથી આ સુધારા વિધેયક લાવવામાં આવ્યુ છે તેમ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે જણાવ્યુ છે.

વિધાનસભામમાં ગુજરાત ગ્રુહ નિર્માણ બોર્ડ સુધારો વિધેયક-૨૦૧૯ને વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે.

નિતીન પટેલે કહ્યુ કે સમગ્ર રાજ્યમાં વિવિધ શહેરોમાં હાઉસિંગ બોર્ડની અનેકવિધ સ્કીમોમાં હજારો લોકો નિવાસ કરે છે. ૨૫ વર્ષથી જૂના જર્જરિત મકાનોના નવીનીકરણથી આ પરિવારોને આધુનિક સુવિધાયુક્ત નવા મકાનો ઉપલબ્ધ થશે. રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આસુધારાનો મહત્તમ લાભ મળશે. હાલમાં ઘરવિહોણા નાગરિકોને પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ સસ્તા દરે વિવિધ કક્ષાના મકાનો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સુધારા વિધેયકના પરિણામે હાલમાં હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા નાગરિકોને સસ્તા નવા મોટા સુવિધાયુક્ત મકાનો મળશે અને બિલ્ડરોને બાકીની જમીનનો ધંધાકીય હેતુથી ઉપયોગ કરી તેનો ખર્ચ કાઢી શકાશે તેમ નાયબ મુખ્યપ્રધાને ગૃહમાં જણાવ્યું હતું.

નિતીન  પટેલે સુધારા વિધેયક ઉપર વધુ વિગતો આપતાં કહ્યું હતું કે,  આ અધિનિયમ હેઠળ અમુક મકાનોના પુનઃવિકાસની આવશ્યકતા હોવા છતાં આવા મકાનના માલિક અથવા તેનો ભોગવટો કરનારા- ભોગવટેદારોના તમામ સભ્યોની સર્વ  સંમતીના અભાવે આવા મકાનોનોપુનઃવિકાસ કરવો શક્ય નથી. આવા મકાનોનો સમયસર પૂર્ણ વિકાસ કરવામાં ન આવે તો તેના રહેવાસીઓનું જીવન જોખમમાં મુકાય તેવી સંભાવના રહેલી છે. આ જોખમ અને મુશ્કેલીઓનાં નિવારણ લાવવાના હેતુથી આ અધિનિયમમાં યોગ્ય સુધારા કરવા જરુરી હતાં.

ગૃહ નિર્માણ બોર્ડ હેઠળ આવતા આવા મકાનોનો પુનઃ વિકાસના હેતુથી સબંધિત સત્તાધિકારીએ તેના વિકાસ માટે પરવાનગી આપ્યાંની તારીખથી  ૨૫ વર્ષનો સમયગાળો પૂર્ણ થયેલો હોવો જોઈએ.  આ સિવાય સબંધિત સત્તાધિકારીએ આ મકાન ખંડેર હાલતમાં છે અથવા ગમે ત્યારે પડવાની શક્યતા છે. તેનો ભોગવટો કરનાર,  ઉપયોગ કરનાર તેની પાસેથી પસાર થતા રાહદારી અથવા આજુબાજુના મકાન-સ્થળ  માટે કોઈપણ રીતે જોખમકારક છે તેવું જાહેર કર્યું હોય તે જરૂરી છે.

સબંધિત સત્તાધિકારી યોગ્ય કાર્યરીતિના પાલન બાદ તે મકાનોના પુનઃવિકાસ માટેની કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય કરે ત્યારબાદ જો કોઈ મકાન ખાલી ન કરે તો માલિક  ભોગવટદારને મકાન ખાલી કરાવવા એક માસની નોટિસ આપવાની રહેશે.  બોર્ડ અથવા યથાપ્રસંગ વ્યક્તિગત એજન્સીએ પુનઃવિકાસની મુદત માટે માલિકો અથવા ભોગવટો કરનારાને વૈકલ્પિક આવાસ અથવા વૈકલ્પિક આવાસને બદલે ભાડુ પૂરું પાડવું પડશે.

મકાન ખાલી ન કરવાના કિસ્સામાં માલિક-ભોગવટો કરનારને બોર્ડની જમીન પર અનઅધિકૃત ભોગવટેદાર તરીકે ગણવામાં આવશે અને આવા માલિક-ભોગવટો કરનારને સંક્ષિપ્તરૂપે કબજો છોડવો પડશે.  આ નવી કલમથી રાજ્ય સરકાર મકાન અને એપાર્ટમેન્ટના પુનઃ વિકાસને સંબંધિત કોઇ કાર્ય અને શરતો હાથ ધરી શકશે અને નિયમો હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવાની સબંધિતોને સત્તા મળશે.