રોડ અને ટ્રાફિકજામને લઇ હાઇકોર્ટ એએમસીને રોડ પર લાવ્યું, રાજપથ ક્લબ સીલ

અમદાવાદ– કેટલાંય વર્ષોથી એસજી રોડ પર ટ્રાફિકભારણનું કારણ બની રહેલી રાજપથ કલબના રાજપર હાઇકોર્ટના કડક વલણે રોક લગાવી હતી.એસજી હાઈવે પર આવેલ રાજપથ ક્લબને કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવ્યું હતું. AMCએ ટ્રાફિકની સમસ્યાના કારણે રાજપથ ક્લબને મંગળવારે રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ સીલ કરી દીધી હતી.

સોમવારે હાઈકોર્ટે અમદાવાદ પોલિસ કમિશનર અને ટ્રાફિક વડાને ટ્રાફિક સમસ્યાને લઈને આડા હાથે લીધા હતા. હાઈકોર્ટે કડક વલણ અપનાવતા ટીપ્પણી કરી હતી કે તમે નો પાર્કિંગના પાટીયાં મૂકી સંતોષ માનો છો, તમારી ઈચ્છા શક્તિ નથી કે આ સમસ્યા દૂર થાય. હાઈકોર્ટે શહેર પોલીસ કમિશનરને કહ્યું કે, તમે શહેરનું એક ચક્કર મારીને પાછા હાઈકોર્ટ આવો. તે ઉપરાંત હાઈકોર્ટે એએમસીની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી અને જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાનું પણ કહ્યું હતું.

બિસ્માર રસ્તા, પાર્કિંગને લઈને પોલીસ કમિશનર ખાતરી આપતા હાઈકોર્ટે વધુ એક તક આપતાં એએમસીએ પગલાં ભરીને પહેલાં જ સ્ટેપમાં રાજપથ ક્લબ આગળ થતી ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા માટે તેને સીલ મારી દીધું છે. હજું પણ અમદાવાદમાં ટ્રાફિક અને ખરાબ રસ્તાઓને લઈને પગલાં ભરવામાં આવી શકે છે.