હડતાળની અસર, તલાટી કમ-મંત્રીઓને મળશે આ લાભ, સરકારે લીધો મહત્વનો નિર્ણય

ગાંધીનગર-ગાંધીનગર ખાતે પંચાયત તલાટી મહામંડળની સરકાર સાથે બેઠક મળી હતી. જે બાદ સરકારે તલાટીઓની મુખ્ય માગણીઓ સહિત 50 ટકા માગણીઓનો સ્વીકાર કરી લીધો છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વિસ્તરણ અધિકારી તરીકે મળતી શરતી પ્રમોશન જોગવાઈ સરકારે રદ્દ કરી હોવાની જાહેરાત કરી હતી. નીતિન પટેલે કહ્યું કે સરકારે અગાઉ રાખેલી ત્રણેય શરતો દૂર કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે કર્મચારીઓને પૂરતો પગાર ધોરણ મળે તે રીતે સરકારે નિર્ણય કર્યો છે. જેનાથી 12 હજારથી વધુ પંચાયતના તલાટી કમમંત્રીઓને લાભ થશે.

નીતિન પટેલે કહ્યું કે, પંચાયત વિભાગના પરિપત્રની શરત 4, 5 અને 6 દૂર કરવામા આવશે. આ ઉપરાંત નીતિન પટેલે પંચાયત વિભાગ અને મહેસૂલ વિભાગને તલાટીઓને લઈને મર્જ કરી દેવામાં આવ્યાં છે અને તેવી વિવિધ કામગીરીઓ પણ તેમને સોંપી દેવામા આવી હોવાનું જણાવ્યું હતું.

ગુજરાત રાજયના 11 હજારથી વધુ તલાટીઓ વર્ષો જૂના પ્રશ્નોનુ નિરાકરણ લાવવા માટે છેલ્લા બે મહિનાથી સરકાર સામે જંગે ચડયા હતા. સરકારને અનેક વખત રજૂઆત કરીને પ્રશ્નો ઉકેલવા માટે વિનંતી કરી હતી. સરકારની નીતિથી નારાજ થયેલા રાજયભરના તલાટી કમ મંત્રીઓએ 22મી ઓક્ટોબરથી અચોકકસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરવાની જાહેરાત કરી હતી. આજે સરકારની જાહેરાત બાદ હડતાળને પૂર્ણ કરી દેવામાં આવી છે.