સરકાર આ વિદ્યાર્થીઓને આપશે દર વર્ષે રુપિયા 5 લાખ

અમદાવાદ- મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ રાજ્યના જરૂરતમંદ હોનહાર વિદ્યાર્થીઓ-યુવાઓને આર્થિક સ્થિતિ-નાણાંના અભાવે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહેવું પડે તે માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ સંદર્ભમાં મુખ્યપ્રધાને જણાવ્યું કે, જરૂરતમંદ અનાથ બાળકો, યુવાઓ વિધવા માતાના સંતાનો, દિવ્યાંગો તેમજ સેના-પોલીસના શહીદ જવાનોના સંતાનોને ઉચ્ચ શિક્ષણ માટે વધુમાં વધુ રૂ. પાંચ લાખની સહાય રાજ્ય સરકાર આપશે. આવાં રપ૦૦ જેટલા વિદ્યાર્થીઓને તેનો પ્રતિ વર્ષ લાભ મળશે તેમ તેમણે જાહેર કર્યુ હતું. આ ત્રિદિવસીય ફેરમાં ૮૪ હજાર ઉપરાંત યુવા વિદ્યાર્થીઓ કારકિર્દી ઘડતર વિષયક માર્ગદર્શન મેળવશે.આ ઉદઘાટન સમારંભમાં સીએમ તથા મહાનુભાવોના હસ્તે યુવા સ્વાવલંબન યોજના અને ગુજરાત ટેનોકલોજીકલ યુનિવર્સિટીનાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન અંગેના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. નેટ-સ્લેટમાં એવોર્ડ વિજેતાઓને પણ મહાનુભાવોનાં હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ ફેરમાં ૮૪ હજાર વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું છે. સેમિનાર માટે ૯ હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે તે આ ફેરની ગ્રાન્ડ નહીં ગ્રાન્ડ સકસેસ બતાવે છે તેમ જણાવી તેમણે ફ્રેન્કલીન રૂઝવેલ્ટને ટાંકીને ગુજરાતમાં યુવાનો માટે ભવિષ્ય નહીં, પણ ભવિષ્ય માટે યુવાનોનાં નિર્માણની નેમ વ્યક્ત કરી હતી.

વેદથી લઇ વેબ સુધી – અમે ભણીશું છેક સુધી, ભણીગણીને એક બનીશું- અમે હંમેશા નેક બનીશું અંગે સંકલ્પબદ્ધ થવાં વિદ્યાર્થીઓને તેમણે અનુરોધ કર્યો હતો. ગત વર્ષે શરૂ કરેલ આ એજ્યુકેશન ફેરને સફળતા મળતાં ચાલુ વર્ષે પણ આ ફેરનું આયોજન કર્યું છે. અન્ય યુનિવર્સિટીઓ કે વિદેશમાં અભ્યાસ કરવાં જવા માંગતા વિદ્યાર્થીઓને આ ફેરમાંથી આગળના અભ્યાસ માટેની જરૂરી માહિતી અને માર્ગદર્શન મળી રહેશે.

આ એજ્યુકશન ફેરમાં ગુજરાતની ૪૪ યુનિવર્સિટીઓનાં ૫૫ સ્ટોલ, ઉચ્ચ અને ટેકનીકલની ૫૮ કોલેજોનાં ૬૪ સ્ટોલ, પ્રાઇવેટ ફોરેન કન્સલ્ટન્ટનાં ૧૧ સ્ટોલ, ફોરેન કાઉન્સીલનાં ૨ સ્ટોલ, બેંકનાં ૪ સ્ટોલ, અન્ય સંસ્થાઓનાં ૧૭ સ્ટોલ અને ૮ ફુડ સ્ટોલનું આયોજન અને ૮ ફુડ સ્ટોલનું આયોજન કરવામાં  આવ્યું છે.