આદિવાસી ક્વોટામાં સરકારી નોકરી મેળવનારના જાતિ પ્રમાણપત્રની ખરાઇ શરુ થશે

ગાંધીનગર- મોરવા હડફના ધારાસભ્યના ખોટી રીતે મેળવાયેલાં આદિવાસી પ્રમાણપત્રના વિવાદે ગંભીર પ્રશ્નો ઊભાં કરતાં રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. આગામી સપ્તાહથી રાજ્યભરમાં આદિવાસી ક્વોટામાં નોકરી મેળવનાર સરકારી કર્મચારીઓના જાતિ પ્રમાણપત્રની ખરાઇનું કામ શરુ કરાશે. છેલ્લાં ત્રણ વર્ષમાં આદિવાસી ક્વોટામાં નોકરી મેળવનાર સરકારી કર્મચારીઓની તપાસ કરાશે.ganpat vasava 700

છેલ્લાં ત્રણ વર્ષમાં આદિવાસી જાતિ પ્રમાણપત્ર સાથે સરકારી નોકરી મેળવનાર 18,000થી વધુ કર્મચારીઓની જાતિ ખરાઇ કરવામાં આવશે. તપાસ માટે 14 ડીવાયએસપીને નિયુક્ત કરવામાં આવ્યાં છે. કર્મચારીઓના જાતિ પ્રમાણપત્ર ખરાઇ માટે સરકારે વિષ્લેષણ કમિટી અને જિલ્લાદીઠ વિજિલન્સ કમિટી કાર્યરત કરી છે. આદિવાસી વિકાસપ્રધાન ગણપત વસાવાએ જણાવ્યાં પ્રમાણે જેમણે આદિવાસી પ્રમાણપત્ર રજૂ કર્યાં છે તેમને છોડવામાં નહીં આવે. તેમની સાચી ઓળખ માટે વિષ્લેષણ કમિટી તેમના કુટુંબના સ્ટેટસ અને પુરાવાની રુબરુ તપાસ શરુ કરી રહી છે અને ટૂંકસમયમાં તપાસ કમિટી પોતાનો રીપોર્ટ આપી દેશે.

સરકારી ભરતીમાં આદિવાસી ક્વોટામાં પ્રમાણપત્રો મેળવીને અન્ય જ્ઞાતિના લોકો સરકારી નોકરીઓ મેળવી રહ્યાંની વ્યાપક ફિયાદો મળતી રહી હતી. તેમાં મોરવા હડફ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટે આદિજાતિ અનામત બેઠક ચૂંટણી જીત્યાં પછી ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરેલું જાતિ પ્રમાણપત્ર બોગસ હોવાનું જાહેર થયું હતું.

વર્ગ-1ના 23થી વધુ અધિકારીઓ શંકાના દાયરામાં હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.ખાસ કરીને ગીર નેસડાના રહેવાસીઓ માલધારીઓ હોવા છતાં આદિવાસી પ્રમાણપત્ર મેળવી સરકારી નોકરી લીધી હોવાની ફરિયાદ ઊઠી છે.