ગુજરાતઃ કુટિર ઉદ્યોગના 500 કસબીઓને સરકારી સહાય અર્પણ

ગાંધીનગર– મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાજ્ય સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ આયોજિત સ્વરોજગારી સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં પ૦૦ જેટલા વિવિધ લાભાર્થીઓને ૪૮ લાખ રૂપિયાના સાધન-કીટ વિતરણ કર્યા હતાં. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે અમારી સરકાર સોશિઅલ સેકટર સામાજિક અધિકારીતાના ક્ષેત્રોને પ્રાધાન્ય આપીને ગ્રામીણ કારીગરો, ગરીબ-વંચિત-શોષિતો છેવાડાના માનવીના હિતને કેન્દ્રસ્થાને રાખનારી છે.

ગ્રામીણ વિસ્તારોના-છેવાડાના વિસ્તારના કારીગરો, હાથશાળ, હસ્તકલા તથા નાના વ્યવસાયકારોને સાધન સહાય આપી સરકારે તેમને સ્વરોજગારીથી આત્મનિર્ભરતાના માર્ગે વાળવા તેમની આંગળી પકડી છે.

આ વિભાગ હસ્તકના ગુજરાત હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ, ગ્રીમકો, ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી ઇન્સ્ટીટયૂટ તથા ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૧ લાખ ર૪ હજાર ૩૪૦ ગ્રામીણ યુવા-બહેનોને તાલીમ આપીને રૂ. ૬૦.પ૩ કરોડના સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા છે. ગુજરાત રોજગારી આપવામાં છેલ્લા દોઢ દાયકાથી અવ્વલ છે અને ગુજરાતે એકલાએ દેશ આખાના ૮પ ટકા રોજગારી આપી છે તેવો ગૌરવસહ ઉલ્લેખ કર્યો હતો.સરકારના પ્રયાસોમાં પ્રદૂષણ નિયંત્રણ માટે પણ ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને ગણેશોત્સવ દરમિયાન ઈકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ બનાવવા માટે છેલ્લાં ચાર વર્ષોથી પ્રયાસો કર્યાં છે અને ૪ હજારથી વધુ કારીગરોને તાલીમ પણ રાજ્ય સરકારે આપી છે. ગુજરાત રાજય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમના ચેરમેન શંકર દલવાડીએ ગાંધીનગર ખાતે યોજાયેલી ગરવી ગુર્જરી-૨૦૧૮ આંતરરાષ્ટ્રીય બાયર-સેલર મીટનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, હાથશાળ અને હસ્તકલા કારીગરોના ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજાર મળી રહે તે માટે રાજય સરકાર શ્રેષ્ઠ પ્રયાસો કરે છે.