વિદ્યાર્થીઓનાં પ્રવાસમાં થતાં અકસ્માત રોકવા સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

ગાંધીનગરઃ તાજેતરમાં જ સૂરતના અમરોલી વિસ્તારના એક ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓ ડાંગ જિલ્લામાં પ્રવાસે ગયાં હતાં ત્યાં તેમની બસ ખીમમાં ખાબકતા ગમખ્વાર ઘટના બની હતી. આ ઘટનામાં 10 વિદ્યાર્થીઓના મોત થયાં હતાં. ત્યારે આજે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં એક મિટીંગ યોજવામાં આવી હતી. જેમાં શાળા પ્રવાસમાં થતાં અકસ્માતને લઈને અનેક મહત્વનાં નિર્ણય લોવામાં આવ્યાં છે.

શાળાનાં વિદ્યાર્થીઓના પ્રવાસમાં થતાં અકસ્માતને રોકવા માટે રાતનાં 11થી સવારનાં 6 કલાક સુધી પ્રવાસ કરી નહીં શકાય. રાજ્યસરકાર દ્વારા આજે મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કહ્યું કે, આપણે થોડા સમયથી જોઇએ છીએ કે શાળાનાં વિદ્યાર્થીઓને પ્રવાસે લઇ જતા વાહનોને અકસ્માત નડતા અનેક બાળકો ઇજાગ્રસ્ત થયાં છે, અને કેટલાકના મોત પણ નીપજ્યાં છે.  પરંતુ ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. શાળાના બાળકોને પ્રવાસે લઇ જતી બસો રાતનાં 11 કલાકથી સવારે 6 કલાક સુધી પ્રવાસ નહીં કરી શકે. જે બસો રાતે પ્રવાસ કરતી હતી અને વિવિધ જગ્યાએ અકસ્માતનો ભોગ બની તેવું ભવિષ્યમાં ન થાય એટલે રાતે બસો પ્રવાસ કરી શકશે નહીં. આ ઉપરાંત બાળકોને રાતે રહેવાની યોગ્ય વ્યવસ્થા કરશે.

વધુમાં કહ્યું કે, સરકાર તરફથી બાળકોને સહાય પણ જાહેર કરવામાં આવી છે, ઇજાગ્રસ્ત બાળકોને સારામાં સારી સારવાર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી 96 તાલુકામાં ખેડૂતો માટેનાં રોકાણ ખર્ચની સહાય આપવાનું સરકારે જાહેર કર્યું છે. તેવા 96 તાલુકાનાં 22 લાખ ખેડૂતોને 2,280 રૂ.ની વહેલી તકે ચુકવવાનું શરૂ કરવામાં આવશે.

નીતિન પટેલે ગુજરાતમાં એઇમ્સ રાજકોટમાં સ્થપાશે તેવા અહેવાલો વહેતા થયાં હતાં તેના ભાગરૂપે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે એઇમ્સ માટે કેન્દ્ર સરકારને બે જગ્યાઓનો સર્વે કરી દરખાસ્ત મોકલી છે, પરંતુ હજુ સુધી જગ્યા ફાઇનલ થઇ નથી.