ઈ-ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ‘ધ એવોર્ડ ઓફ એક્સેલન્સ’

0
1159

ગાંધીનગર: રાજ્યના નાગરિકોના જમીનવિવાદને લગતા કેસોનું ઝડપથી નિકાલ આવે અને રેકોર્ડ ઝડપથી ઉપલબ્ધ બને તે માટે રાજ્ય સરકારે ઈ-ગવર્નન્સના માધ્યમ દ્વારા ટેકનોલોજી થકી ઓનલાઈન સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે. રાજ્ય સરકારની પારદર્શક નીતિ અને હકારાત્મક અભિગમને પરિણામે ગુજરાતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. રાજ્ય સરકારના પ્રયાસોને કેન્દ્ર સરકાર સહિત વિવિધ રાજ્યોએ પણ બિરદાવ્યાં છે. તાજેતરમાં રાજ્ય સરકારના મહેસૂલી કેસોના મેનેજમેન્ટ માટે અમલી કોમ્પ્યુટરાઇઝ્ડ કેસ મોનીટરીંગ સીસ્ટમ (CCMS) પ્રોજેક્ટને CSI-Nihilent e-governance Award: 2018 તરીકે પસંદગી કરાઈ છે, અને હૈદરાબાદ ખાતે તત્કાલીન અધિક સચિવ વિકટર મેકવાન દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો છે.

ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને એવોર્ડ નિદર્શન કરાવતા શુભેચ્છા આપી અભિનંદન પાઠવ્યા હતા, અને પ્રજાકીય કામો માટે મહત્વનો આ પ્રોજેક્ટ વધુને વધુ લોકભોગ્ય બને તે માટે અનુરોધ કર્યો હતો. તેમણે ડીજીટલ ઇન્ડિયા અભિયાન અને રાજ્ય સરકારની પારદર્શી નીતિ દ્વારા નાગરિકોએ તેમના હક્કો સત્વરે મળી રહ્યા છે તેનો વ્યાપ વધારવા પણ સુચના કર્યા હતા.

એવોર્ડ અંગે વધુ વિગતો આપતા મહેસૂલ વિભાગના અધિક સચિવ નલીન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, CCMS પ્રોજેકટનો અમલ એસએસઆરડી-ખાસ સચિવશ્રી, મહેસૂલ વિભાગ(અપીલ)ની કચેરી, અમદાવાદ ખાતે મે-૨૦૧૫થી શરૂ કરીને કામગીરી ઓનલાઇન કરાઇ હતી. જેના પરિણામે છેલ્લા ત્રણ વર્ષથી કેસનું મોનીટરિંગ પદ્ધતિસર કરવામાં આવતું હોય વર્ષ ૨૦૧૭-૧૮ માટે નોમિનેશન મોકલવામાં આવ્યું હતું. જે સંદર્ભે કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયા(CSI)ની સ્થાનિક ટીમ દ્વારા કચેરીની મુલાકાત લઈને તમામ પાસાઓની ચકાસણી કરી ને ભલામણ કરાઈ હતી જે સંદર્ભે વર્ષ ૨૦૧૭-૧૮નો ‘એવોર્ડ ઓફ એક્સેલન્સ’ એવોર્ડ ગુજરાતને એનાયત થયો છે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવ સમાન છે. આ પસંદગી રાજ્ય સરકારની પારદર્શી નીતિને પરિણામે થઈ છે.

CCMS પ્રોજેક્ટ થકી તમામ પ્રક્રિયા ઓનલાઇન થતા કેસનું મોનીટરિંગ તથા એનાલિસિસ કરવું વધુ સરળ બન્યું છે. સાથે સાથે નાગરિકોને કેસનું સ્ટેટસ, કેસની વિગત, કેસની સુનાવણીની તારીખ તથા હુકમની માહિતી પણ સરળતાથી મળી રહે છે.

આ ઓનલાઇન પ્રોજેક્ટ થકી વહીવટમાં પારદર્શિતા આવી છે અને નાગરિકોના સમયની બચત સાથે કામો પણ ઝડપી બન્યા છે. અરજદારોના કેસને CCMSમાં દાખલ કરીને કેસનો ઓન લાઈન નંબર જનરેટ કરવામાં આવે છે. ત્યારબાદ કેસને લગતી તમામ વિગતોની સિસ્ટમમાં એન્ટ્રી કરીને કેસનું બોર્ડ જનરેટ થાય છે. જે મુજબ નોટિસ કાઢી તમામ પક્ષકારને બજવણી કરાય છે અને પક્ષકારોને મેસેજ દ્વારા જાણ થાય છે. કેસના સુનાવણી સમયે સ્ટેજ બદલવા, આખરી હુકમ થતાં કેસનો ઓનલાઇન નિકાલ કરીને revenueappeals.gujarat.gov.in પર અપલોડ કરવામાં આવે છે જેથી નાગરિકો સરળતાથી જાણી શકે છે. નિકાલ થયેલા કેસોની ઇ-ધરા ખાતેથી ઓનલાઈન ફેરફાર નોંધ દાખલ કરી નોંધ નંબર જનરેટ કરી શકાય છે બાઇસેગ દ્વારા પણ Know Your Revenue Case નામની એપ્લિકેશન દ્વારા તથા વેબસાઈટ પરથી કેસની માહિતી/જાણકારી નાગરિકો માટે ઉપલબ્ધ બનાવાઇ છે.

ઉલ્લેખનીય છે કે, CCMS પ્રોજેક્ટના અમલીકરણના પરિણામે જમીનની સમસ્યા સામે પારદર્શિતા વધી છે ઈન્ટરનેટના ઉપયોગને લીધે નાગરિકોને ઓછા સમયમાં ઓનલાઈન એકસેસ દ્વારા તમામ પક્ષકાર અને હુકમો/ચુકાદાઓ પૂરા પાડવામાં આવી રહ્યા છે. રેકોર્ડના ડિજિટલાઈઝેશનના પરિણામે નાગરિકોને ખૂબ જ ઓછા સમયમાં તેમને જોઈતો રેકોર્ડ સરળતાથી ઉપલબ્ધ થઇ શકે છે. ઇ-ગવર્નન્સના ઉપયોગને કારણે એસ.એસ.આર.ડી.ની કામગીરી સુદ્રઢ બની છે તેમજ ન્યાયિક પ્રક્રિયાની કાર્યવાહી ઝડપી બની છે જેને લીધે પક્ષકારો, વકીલો અને નાગરિકોના સમયની બચત સાથે સાથે નાણાકીય બોજ પણ ઘટયો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યમાં કોમ્પ્યુટરાઇઝ્ડ મોનીટરીંગ સિસ્ટમ અમલમાં આવ્યુ ત્યારે કુલ ૯,૮૯૬ કેસો પડતર હતા અને ત્યારબાદ આજ સુધી ૧૭,૦૨૩ નવી અપીલ અને રીવીઝનના કેસો દાખલ થયા છે એટલે કુલ ૨૬,૯૧૯ અપીલ અને રીવીઝન કેસો પડતર હતા તે પૈકી ઓન લાઇન સિસ્ટમને કારણે ૨૫,૨૩૯ અપીલ રિવિઝનના કેસોનો નિકાલ કરાયો છે અને ૧,૬૮૦ કેસો નિકાલ કરવાના બાકી છે જે વિવિધ તબક્કે પ્રગતિમાં છે જેનો પણ સત્વરે નિકાલ કરવામાં આવશે.