કલ્પસર હજુ માત્ર કલ્પનામાં જ… સરકારને ખબર નથી ક્યારે શરુ થશે

0
2137

ગાંધીનગર– બહુહેતુક નર્મદા પરિયોજનાના તમામ કામ હજુ પૂર્ણ થયાં નથી તેવામાં એવી જ એક મોટી બહુહેતુક પાણી પરિયોજના સંદર્ભે વિધાનસભામાં ગુજરાત સરકારે કરેલી સ્પષ્ટતા પ્રશાસનિક ઠાગાંઠેયાંનું મોટું ઉદાહરણ પૂરું પાડી રહી છે. વિધાનસભામાં કોંગ્રેસી ધારાસભ્યોએ કલ્પસર પરિયોજના અંગે પૂછેલાં પ્રશ્નનો ઉત્તર આપતાં રાજ્યના નાયબ સીએમ નિતીન પટેલે જણાવ્યું હતું કે આ યોજનાનો ફિઝિબિલિટી રીપોટ હજુ પૂર્ણ થયો નથી, તેમ થતાં કામ શરુ કરવા નિર્ણય લેવાશે.આ યોજનાના વિચારથી લઇને અત્યાર સુધીમાં 400 કરોડ રુપિયા એમાં ખર્ચી નાંખવામાં આવ્યાં છે કે આ યોજના શક્ય બની શકે છે કે કેમ. 1989માં પ્રથમ વખત આ યોજના અંગે વાત કરવામાં આવી હતી જેનો 1996માં પ્રિફિઝિબિલિટી રીપોર્ટ તૈયાર થયો હતો. ત્યારબાદ છ ખાસ અહેવાલ અને 2003માં ફાઇનલ રીપોર્ટ તૈયાર થયો હતો. ફાઇનલ રીપોર્ટ માટે પૂર્ણકક્ષાના 21 સ્ટડી પેપર, 10 પેપરમાં કાર્ય ગતિમાન અને વધુ 19 રીપોર્ટનું પ્લાનિંગ કરાયું હતું. આ માટે છેલ્લાં બે વર્ષમાં 31 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

નાયબ સીએમે જણાવ્યું હતું કે સરકારને ફિઝિબિલિટી રીપોર્ટ મળ્યાં પછી તેનો અભ્યાસ અને જરુરી મંજૂરીઓ મેળવ્યાં બાદ કામ શરુ થઇ શકશે. બને તેટલી ઝડપથી આ યોજના શરુ કરવામાં આવશે.સરકારના માનવા પ્રમાણે આ પરિયોજનાની શક્યતાની ખાતરી કરવા માટે હજુ પણ પાંચેક વરસ લાગી શકે છે. જો શક્યતા લાગે તો લગભગ 15 વર્ષનો સમય ખંભાતના અખાતમાં ડેમો બનાવતાં લાગી શકે છે. આ પરિયોજનામાં સંકળાયેલા અધિકારીઓના મતે 2015-16 સુધીમાં આ પ્રોજેક્ટનું મૂલ્ય 90,000 કરોડ પહોંચી ગયું હતું.