માધવપુર ઘેડના શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહમાં પધારવા આમંત્રણ, જાણો ઈતિહાસ

ગાંધીનગર- રાજ્યના અતિપ્રતિષ્ઠિત એવા કેટલાક મેળાઓમાં જેની ખ્યાતિ છે તેમાંના એક એવા માધવપુર ઘેડના રુક્મિણી વિવાહના મેળાનું આયોજન થઇ ગયું છે. આ મેેળામાં મહાલવા માટે રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને આમંત્રણ પાઠવાયું છે. સરકારે આ મેળા દ્વારા ગુજરાત-અરૂણાચલ પ્રદેશના ઐતિહાસિક અને સાંસ્કૃતિક અનુબંધને વધુ પ્રગાઢ બનાવવા તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓળખ આપવા ભારત સરકારના સહયોગથી રાજ્ય સરકાર વિશેષ પ્રયત્નો કરશે.

રાષ્ટ્રીય એકતાની પહેલ તરીકે ભારતીયતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની દિશામાં તા.૨૮મી માર્ચ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે. ભગવાન શ્રી કૃષ્ણ અને અરૂણાચલ પ્રદેશના રૂકમણીજીના જ્યાં લગ્ન થયાં હતાં તે પ્રાચીન સ્થળ-માધવપુરનો પરંપરાગત ભવ્ય મેળો દર વર્ષે ચૈત્ર સુદ નોમ (રામ નવમી) થી તેરસ સુધી યોજાય છે. આ વર્ષે ૨૫મી માર્ચથી શરૂ થયેલો આ લોકમેળો ૨૮મી માર્ચ સુધી યોજાશે.પ્રવાસનપ્રધાન ગણપત વસાવાએ આ મેળામાં ઉપસ્થિત રહેનારા મહાનુભાવો વિશે જણાવ્યું હતું કે તેમાં ૨૭મી માર્ચને મંગળવારે રાજ્યપાલ ઓ.પી.કોહલી અને અરૂણાાચલ પ્રદેશના રાજ્યપાલ બ્રિગેડીયર બી.ડી.મિશ્રા ઉપરાંત બંને રાજ્યોના મુખ્યપ્રધાન ઉપરાંત મણિપુરના મુખ્યપ્રધાન બિરેન સિંઘ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્યપ્રધાન ડૉ. મહેશ શર્મા, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી કિરણ રિજિજુ ઉપસ્થિત રહેશે.આ ઉત્સવમાં પૂર્વભારતના અરૂણાચલ પ્રદેશ અને મણિપુર રાજ્યોના ૩૦૦ થી વધુ લોક કલાકારો અને ગુજરાતના ૨૦૦ થી વધુ કલાકારોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. બન્ને રાજ્યોના રાષ્ટ્રીયકક્ષાના સન્માનિત લોકકલાકારો બન્ને રાજ્યોની લોક પરંપરાના કાર્યક્રમો રજૂ કરશે. પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાના ટેમ્પલ ફૂડની વ્યવસ્થા, ભારતના લોકકલા-હસ્તકલાના કારીગરોની કલા પ્રસ્તુતિ અને વેચાણના સ્ટોલ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

માધવપુર(ઘેડ)ના મેળામાં ૧૨મી સદીના માધવરાયજીના મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રકમણીજીના વિવાહ થાય છે. આ અગાઉ ત્રણ દિવસોમાં રાત્રે ફૂલેકાં ચડે છે અને ભગવાન શ્રી કૃષ્ણની રવાડી ધામધૂમથી બ્રહ્મકુંડ સુધી જાય છે. આ મેળામાં આશરે એક લાખ મુલાકાતીઓ આવવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.

માધવપુર ઘેડમાં આ લોકમેળાનો ઇતિહાસ

માધવ-શ્રીકૃષ્ણના નામ પરથી પ્રસિદ્ધ માધવપુર એટલે ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણએ રાજધાની-દ્વારકાની સ્થાપના કરી તેની આસપાસનો હરિયાળો પ્રદેશ. માધવપુર પ્રચીનકાળથી પ્રસિદ્ધ છે.ઇસાપૂર્વે રોઇંગ-અરૂણાચલ પ્રદેશમાં ભિષ્મક રાજા રાજ્ય કરતા હતા, જેમને એક પુત્રી રુકમણી અને પાંચ પુત્રો હતા. રુકમણીના એક ભાઇ રુકમિ તેમના લગ્ન પોતાના મિત્ર અને કૌરવ શિશુપાલ સાથે કરાવવા માગતા હતા. પરન્તુ રુકમણીજી મનોમન શ્રકૃષ્ણને ચાહતા હતા. રુકમણીજીએ શ્રીકૃષ્ણને પત્ર લખ્યો અને શિશુપાલ સાથેના લગ્નથી ઉગારી લેવાની અને શ્રી કૃષ્ણ સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. આ પત્ર મળતાં શ્રીકૃષ્ણ ભાઇ બલરામ સાથે સેના લઇને પૂર્વ ભારતમાં ભીષ્મક રાજાના રાજ્યમાં લગ્ન સ્થળે પહોંચી જાય છે. લગ્નમંડપમાં શિશુપાલ, જરાસંઘ વગેરે રાજાઓ ઉપસ્થિત થઇ ગયા છે. શ્રીકૃષ્ણ રાજપુરોહિત મારફતે રુકમણીજીને અંત:પુરમાં ગુપ્ત સંદેશો મોકલે છે અને રાજ્યની સીમાએ પ્રતીક્ષા કરતા હોવાનું કહેણ મોકલે છે. રુકમણીજી અંત:પુરથી રથમાં બેસીને શ્રીકૃષ્ણ જ્યાં પ્રતીક્ષા કરતા હતા, ત્યાં પહોંચી જાય છે. શ્રીકૃષ્ણ રુકમણીજીનું હરણ કરીને નિકળે છે ત્યાં રુકમિ તેમના સૈન્યને રોકે છે. શ્રીકૃષ્ણ યુદ્ધમાં રુકમિને પરાજિત કરે છે. રૂકમણીજીની પ્રાર્થનાવશ રૂકમિને જીવતદાન આપે છે અને રુકમણીજીને માધવપુર લાવે છે, માધવપુરમાં રુકમણીજી સાથે વિવાહ કરે છે.

આજે પણ માધવપુરમાં ૧૨મી સદીના અવશેષો છે. માવધરાયજીનું મંદિર અને ગામમાં પ્રવેશતાં જ જોવા મળતો દરવાજો. મધુવનમાં આવેલી શ્રીકૃષ્ણ-રુકમણીજીના વિવાહની ચોરી અને મંડપ તેની બાંધણીના આધારે એક હજાર વર્ષથી પણ વધુ પ્રાચીન હોવાની સાબિતી આપે છે. માધવપુર ટેકરી ઉપર યક્ષનું મંદિર, વિષ્ણુ મંદિરમાં નાગદમનના શિલ્પોવાળી છત, ગદા વાવ, નવી હવેલી, બ્રહ્મકુંડ, ગોરખનાથની ગુફા મંદિર, કદર્મ કુંડ, મહારાણી મઠ, ચામુંડા મંદિર, મહાપ્રભુજીની બેઠક વગેરે ઐતિહાસિક ભૂમિકા ધરાવતા સ્થળો દર્શનીય છે.